Search

શબ્દોની દુનિયા

Category

કવિતા

માતૃભાષા ‘ડે’

વાત વાતમાં ‘sorry’ અને ‘thank you’ આવે
અને પછી વર્ષમાં એકવાર માતૃભાષા ‘ડે’ મનાવે

‘બા’ અને ‘બાપુજી’ તો ખોવાઈ ગયા છે ક્યારના,
‘મમ્મી-પપ્પા’ પણ હવે પોતાને ‘mom-dad’ કહેવડાવે,
…..અને પછી વર્ષમાં એકવાર માતૃભાષા ‘ડે’ મનાવે

ભજન-કીર્તન તો ભુલાયા ક્યારના, બાળકોને તો હવે ‘rhymes’ જ આવડે,
પ્રભાતિયાં હવે મૂંઝવણ અનુભવે, કારણકે ‘grandma’ પણ હવે ‘poem’ સંભળાવે
…..અને પછી વર્ષમાં એકવાર માતૃભાષા ‘ડે’ મનાવે

‘Morden’ બનવાના ચક્કરમાં,બાળકોને ‘english medium’માં બેસાડે,
પછી ‘Abcd’ તો ઠીક ‘કક્કો’ પણ હવે ‘english’માં જ સંભળાવે,
…..અને પછી વર્ષમાં એકવાર માતૃભાષા ‘ડે’ મનાવે

‘વિક્રમ-સંવત’ હવે કોને યાદ છે? તહેવારો પણ હવે ‘ઈસવીસન’ મુજબ આવે,
‘શુભેચ્છાઓ’ હવે સુકાતી જાય છે,વારે-તહેવારે હવે ‘greetings’ મોકલાવે
…..અને પછી વર્ષમાં એકવાર માતૃભાષા ‘ડે’ મનાવે

નર્મદ-નરસિંહ ઝાંખા પડ્યા,શેક્સપિયર ને ફૂલડે વધાવે,
દુહા-મુક્તક કોઈ ઓળખે ક્યાંથી? પહેલેથી જ જ્યાં STANZA જ ગોખાવે,
…..અને પછી વર્ષમાં એકવાર માતૃભાષા ‘ડે’ મનાવે

ENGLISH બોલીને માભો પાડે છે, ગુજરાતી બોલતા શરમ આવે,
Abcd હવે કડકડાટ આવડે, કક્કો બોલતા જીભ થોથવાયે,
…..અને પછી વર્ષમાં એકવાર માતૃભાષા ‘ડે’ મનાવે

બધાને ‘Happy’ માતૃભાષા ‘Day’

તમને યાદ કરી લઉં છું હું

રોજ તમારી વાટ જોતાં જોતાં, તમને યાદ કરી લઉં છું હું
આમ તમારી યાદોમાં રહેતા રહેતા,તમને યાદ કરી લઉં છું હું

શુ કરવું? રડી પણ નથી શકતો હવે તમને યાદ કરીને ,
માટે બધા સાથે હસતા હસતા,તમને યાદ કરી લઉં છું હું

કહી નથી શકતો કોઈને પણ,ખોટ તમારી કેટલી વર્તાય છે,
ક્યારેક આમ લખતા લખતા,તમને યાદ કરી લઉં છું હું

કહેવાનું તો ઘણું છે પણ સાંભળવા માટે હવે તમે નથી,
માટે જ હવે મૌન રહેતા રહેતા,તમને યાદ કરી લઉઁ છું હું

ફરિયાદ હંમેશ રહેશે મારી ઈશ્વર માટે કે તમને દૂર કર્યા મુજથી,
બસ આમ કુદરત સાથે લડતા લડતા,તમને હદ કરી લઉઁ છું હું

સાચું કહું તો ભુલ્યો જ નથી હું ક્યારેય તમને આજ સુધી,
બસ તમારી યાદ માં જીવતા જીવતા,તમને યાદ કરી લઉં છું હું

તારી સાથે…તારા વગર

રોજ કેટલીયે વાત કરું છું હું…તારી સાથે…તારા વગર

એક જ જગ્યાએ તો મન હળવું કરું છું હું…તારી પાસે…તારા વગર

બધા સામે હસી હસીને થાક્યા પછી,

એક જ જગ્યાએ તો દિલ ખોલીને રડું છું હું…તારી પાસે…તારા વગર

તૂટી ચુક્યો છું પૂરો છતાં બધા સામે અડીખમ ઉભો છું,અહમ છોડી આજે પણ એક જગ્યાએ વિખેરાઈ શકું છું હું…તારી પાસે…તારા વગર

બધા સાથે રહીને પણ હંમેશા એકલો જ હોઉં છું હું

છતાં તું પાસે નથી એની ફરિયાદ કરું છું હું…તારી પાસે…તારા વગર

બસ ખાલી તને મળવા માટે જ હું મોત પણ હસીને સ્વીકારી લઈશ,

પણ શ્વાસ ચાલે છે ત્યાં સુધી રોજ હું જીવું છું હું…તારી સાથે…તારા વગર

દફનાવી દીધું છે

લ્યો, ફરી પાછું હોંઠો પર સ્મિત સજાવી દીધું છે,દિલમાં ઉઠેલા તોફાનને ફરી દિલમાં દબાવી દીધું છે
કેટલાયે લોકો પાસે ભટકતો રહ્યો લાગણીની શોધમાં,

એકલતા જ મળશે બધે, મેં મનને મનાવી દીધું છે
હવે નથી જરૂર મને કોઈના પ્રેમ રૂપી અમૃતની પણ,

મેં તો બધાએ આપેલ નફરતના ઝેરને પચાવી દીધું છે
સમજતો હતો હું કે સમજશે આ દુનિયા મારા દર્દને,

એ જ મારી અણસમજ હતી, મેં પોતાને સમજાવી દીધું છે
જરા ધ્યાનથી જોશો તો મળશે હજી પણ ભીનાશ થોડી,

આંખમાં આવેલ આંસુને મેં આંખમાંજ દફનાવી દીધું છે

પ્રશ્ન જીવી જવાનો હતો

લોકોએ આપેલા જખ્મોનો ભાર મારે એકલાએ ઉપાડવાનો હતો

ક્યાંક દેખાય ન જાય મારી એકલતા,મારે મને સમજાવવાનો હતો
ખુલ્લા દિલથી રડી શકાતું હોત તો ક્યાં તકલીફ હતી,

સવાલ અહીં ભીની આંખ હોવા છતાં આંસુ છુપાવવાનો હતો 
જાણે તો એ પણ છે,નથી રહી સંબંધમાં મીઠાશ હવે પહેલા જેવી,

છતાં આજેય હસીને મળે છે,કેમકે વ્યવહાર સાચવવાનો હતો
એકલતા પણ મારી ત્યારે સાવ એકલી પડી ગઈ હતી,

જ્યારે મારાથી જ રિસાઈને મારે મને જ મનાવવાનો હતો
શ્વાસ જો અટકી ગ્યા હોત તો આટલી તકલીફ ન હોત,

અહીં તો પ્રશ્ન હસતા હસતા ઝેર પીને જીવી જવાનો હતો
ngkmywords.wordpress.com

ક્યાં ખબર હતી?

એકલતા નો બોજ સહી આ દિલ તૂટી જશે,ક્યાં ખબર હતી ?

દિલ ખાલી કરતા,શબ્દો ખૂટી જશે,ક્યાં ખબર હતી ?
ચૂંટાઇ ને મુરજાઈ ગયેલા ફુલ એ ફરિયાદ કરી,

મહેકવાની સજા આવી મળશે,ક્યાં ખબર હતી
ચાડી ખાધી ઓશિકા એ રાતભર ના એ રુદન ની,

બાકી હસતી આંખો પણ એકાંત માં ખુબ

રડતી હશે,ક્યાં ખબર હતી
આંખો બંધ કરતા એ સામે આવે,આંખો ખોલતા ખોવાઈ જાય,

યાદો માં આવી પણ કોઈ સંતાકૂકડી રમશે,ક્યાં ખબર હતી?
રહું છું હું જમાના સામે હાસ્ય નું એ મોહરુ પહેરી ને,

પણ અરીસા સામે પણ ખોટી મુસ્કાન કરવી પડશે,ક્યાં ખબર હતી
કલ્પી નહોતો શકતો એક પળ પણ હું જેમના વિના,

એમના વિના જિંદગી વિતાવવી પડશે,ક્યાં ખબર હતી ?

પાત્ર નિભાવતો જાઉં છું

આંખ ભીની છે છતાં સૌકોઈને હસાવતો જાઉં છું,

ભીડ વચ્ચે રહી મારી એકલતા સંતાવતો જાઉં છું
કોઈ આવશે નહીં મનાવવા ,માટે હવે રિસતો પણ નથી,

ખુદથી જ નારાજ થઈ, ખુદને જ મનાવતો જાઉં છું
મારા ખોટા સ્મિતને પણ લોકો સાચું જ માની બેઠા છે,

હું ખુશ છું, એ હું પોતાને પણ સમજાવતો જાઉં છું
કાચો છું થોડો હું લાગણીઓનો વેપાર કરવામાં,

બીજાને ખુશીઓ આપી, દર્દને ખુદમાં સમાવતો જાઉં છું
ખબર જ છે કે પડદો પડશે ને ભૂલી જશે આ દુનિયા મને,

છતાં જીવન રંગમંચ પર મારુ પાત્ર નિભાવતો જાઉં છું

ngkmywords.wordpress.com

રસ્તો થઈ ગયો

શરીર સાથે શ્વાસોનો દગો થઈ ગયો,એક માણસ ‘છે’ માંથી ‘હતો’ થઈ ગયો
અંત તો નક્કી જ હતો દરેકનો આરંભ સાથે જ,

અંત સુધી પહોંચતામાં,અંત સાથે લડતો થઈ ગયો
પળવારમાં સમેટાઈ ગઈ બાજી જિંદગીની,

સમય ખૂટ્યો ને જિંદગીનો સટ્ટો થઈ ગયો
પળવારમાં ખોવાઈ ગયો આ દુનિયામાંથી એ,

હમણાં સુધી સામે હતો,એ હવે યાદોમાં વસતો થઈ ગયો
‘કાઢી જાય છે’ શરીરને શ્વાસોની મૂડી ખૂટતા,

કિંમત શ્વાસની હતી, માણસ સસ્તો થઈ ગયો
અડચણ બનતા રહ્યા લોકો જીવનરાહ પર,

જનાજો નીકળો,તો આપોઆપ રસ્તો થઈ ગયો

#repost કૃષ્ણ તો સરળ છે

નિખાલસતાથી એમની આપણી બુદ્ધિ અંજાય છે,કૃષ્ણ તો સરળ છે,પણ આપણને ક્યાં સમજાય છે??

છુપી રીતે માખણ ખાઈ પ્રેમ થી એ તોફાન કરતા,

એમના આ તોફાન પણ ગોપીઓને ખુબ ગમતા,

એ બાળ પ્રવૃત્તિ માં પણ આપણને ચોરી દેખાઈ છે,

કૃષ્ણ તો સરળ છે,પણ આપણને ક્યાં સમજાય છે??

સાડી સંતાડી ગોપીઓની,નટખટ રમતો રમતા,

તો ચીર પુરી દ્રૌપદી ના,તેના માન ની રક્ષા કરતા,

કરવી સ્ત્રીના માન ની રક્ષા એ વાત શીખવી જાય છે,

કૃષ્ણ તો સરળ છે,પણ આપણને ક્યાં સમજાય છે??

ખુદ રણભુમી છોડી,રણછોડ નામ ધારણ કર્યું,

ને આપી ધર્મનું જ્ઞાન,અર્જુન ને લડવા કહ્યું,

સમજવાનું એટલું કે,પરિસ્થિતિ મુજબ કર્તવ્ય બદલાય છે,

કૃષ્ણ તો સરળ છે,પણ આપણને ક્યાં સમજાય છે??

કહે છે એ માત્ર એટલું કે ‘તું તારું કર્મ કર ‘,

સાથે રહીશ હું,તું આપત્તીઓ થી ન ડર,

જગાવે જો અર્જુન જેવી ધર્મભાવના,તો એ તારા જીવન સારથી બની જાય છે,

કૃષ્ણ ને તો પામવા પણ સરળ છે,પણ આપણને ક્યાં સમજાય છે??

Blog at WordPress.com.

Up ↑