Search

શબ્દોની દુનિયા

Category

હાઇકુ

હાઈકુ

ખાલીપો

તારી યાદોથી

‘ભર્યો’ છે છલોછલ,

મારો ખાલીપો

એક માત્ર તું

સાથે તો નથી
છતાં મારી યાદમાં
એક માત્ર તું

ઈશ્વર પાસે
દરેક ફરિયાદમાં
એક માત્ર તું

નહિ કહેલી,
કેટલીયે વાતમાં
એક માત્ર તું

મારી જ સાથે
મારા આ એકાંતમાં
એક માત્ર તું

મારા આ શબ્દો,
અને મારા શ્વાસમાં
એક માત્ર તું

યાદો અજબ,
લાવે છે એકસાથે,
આંસુ ને સ્મિત

મૂલ્ય શ્વાસનું,
શ્વાસ ખૂટતા; લોકો
“કાઢી જાય છે”

ખુશીમાં સ્મિત,
ને દુઃખમાં આંસુ,
એ બચપણ

ખુશીમાં આંસુ
ને દુઃખમાં સ્મિત,
એ સમજણ

કાનાને એક પત્ર

પ્રિય કાના,

Happy Birthday

આજ જન્માષ્ટમી છે તો તને birthday વિશ કરવાનું મન થયું, માટે આ પત્ર લખ્યો

સાચું કહું તો માત્ર birthday માટે પત્ર નથી લખ્યો, તને તો ખબર જ છે ને, અમે માણસો જ્યારે જ્યારે તારી પાસે આવીએ છીએ કંઈક ને કંઈક માંગીએ છીએ…આજે પણ તારી પાસે કંઈક માંગવા જ આ પત્ર લખ્યો છે…

અને એ છે….’તું’. હા, તને જ માંગુ છું હું તારી પાસે…

એ કાના… હવે પાછો આવ ને.!!!

તે તો કીધું હતું ને, કે જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ,અત્યાચાર વધશે ત્યારે ત્યારે તું અવતાર લઈશ?? પણ તને શું નથી ખબર? અહીંયા તો હવે ધર્મના નામ પર જ અધર્મ થાય છે. જેને લોકો ‘સંત’ કહે છે એ લોકોને કારણે જ ધર્મનો ‘અંત’ થતો જાય છે.

અલબત્ત, બધા કહેવાતા સાધુઓ એવા નથી, ઘણાય એવા છે જે સાચે ધર્મના પક્ષે છે પણ એ તો આંગળીને વેઢે ગણાય એટલા માંડ હશે. આ બધાએ ધર્મની સાચી શિક્ષા આપવા,એ કાના..હવે પાછો આવને.!!

કૌરવોની સભામાં દ્રૌપદીના ચિરહરણ વખતે તો તે મદદ કરી હતી, પણ આજ રોજ કોઈ બહેન-દીકરીની ઈજ્જત લૂંટાય છે એની રક્ષા કરવા,એ કાના…હવે પાછો આવને….

તેતો નાનપણથી પોતાના સાચા માતાપિતાને જોયા નહતા, એમનો પ્રેમ મેળવ્યો નહતો, છતાં મોટા થઇ તે તારી જવાબદારી નિભાવી, એમને કારાવાસમાંથી છોડાવ્યા હતા, પણ આજના યુવાનો, આજીવન માતાપિતાનો પ્રેમ મેળવ્યા પછી પણ એમને વૃદ્ધાશ્રમ નામના કારાવાસમાં મોકલે છે એ માબાપ માટે એ કાના…હવે પાછો આવને…

તે તો તારા દરિદ્ર મિત્રના ‘તાંદુલ’ ખાઈને એને મહેલો આપી દીધા, આજના આ ફેસબુકિયા મિત્રોને એ સાચી મિત્રતા શીખવાડવા એ કાના…હવે પાછો આવને..

ઇન્દ્રદેવના કોપથી ડરી ગોવર્ધન પૂજન ન કરતા લોકોને તે સાચી વાત સમજાવી, અને ઇન્દ્રદેવના કોપ સામે ગોવર્ધન ઉપાડી રક્ષા પણ કરી, પણ આજ તો લોકો અંધશ્રદ્ધાના પહાડ નીચે પહેલેથી દબાયેલા છે, એમને સાચી વાત સમજાવવા,એ કાના…હવે પાછો આવને..

તે કીધું હતું કે કર્મ કરો, ફળ ની ઈચ્છા ન રાખો, પણ અહીંયા તો લોકો ધર્મ પણ ફળની ઈચ્છા રાખીને કરે છે. અમને સાચો માર્ગ બતાવવા,એ કાના…તું પાછો આવને…

કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધ વખતે અર્જુનના મનમાં ચાલતા યુદ્ધ માટે તો તે ‘ગીતા’ આપી. પણ એ તો અર્જુન હતો, તારી વાત સમજી શકે, પણ આજતો ‘ગીતા’ની વાત તો ઘણા લોકો કરે છે પણ ખરેખર કેટલા સમજે એ તો તું જ જાણે. છેલ્લે કંઈ નહીં તો ફરીથી એક વાર ‘ગીતા’ સમજાવવા, એ કાના…હવે પાછો આવને..

છેલ્લે તારી માફી માંગુ છું, તને ‘તું’ કહીને સંબોધવા બદલ..પણ અમને (મને) તારું બાલ સ્વરૂપ બહુ વ્હાલું છે. સાચું કહું તો તારું વિરાટ સ્વરૂપ સમજી શકું એટલો હું સક્ષમ નથી,લગભગ. (એ સ્વરૂપ સમજાવવા માટે, એ કાના…હવે પાછો આવીશ?)

લી.

તારા એક fan(ભક્ત!!)ના

જય શ્રી કૃષ્ણ

Create a free website or blog at WordPress.com.

Up ↑