Search

શબ્દોની દુનિયા

જિંદગી વિતાવ્યે જાઉં છું

મારી આ એકલતાને કંઈક આ રીતે સાચવ્યે જાઉં છું,
ખુદથી રિસાઈને વારંવાર, ખુદને જ હું મનાવ્યે જાઉં છું

એવી રીતે ગયા એ મને છોડીને કે હું રોકી પણ ન શક્યો,
કશી ભૂલ ન હોવા છતાંય હું સજા ભોગવ્યે જાઉં છું

આવી પડે જો દુઃખ તો હવે આંસુ નથી સારતો હું કદી,
જીવનમાં આવેલી પીડાઓને હસતા મુખે વધાવ્યે જાઉં છું

જિંદગીની પરીક્ષા પણ બાકી પરીક્ષાઓની જેમ આપી છે,
સવાલ હજી સમજાયો નથી, જવાબ બનાવ્યે જાઉં છું

પાંપણે બાંધીને રાખ્યું છે હૃદયમાં ઉઠેલા આ તોફાનને,
વિદુષક છું,ભીની આંખેય દુનિયાને હસાવ્યે જાઉં છું

જ્યારથી એ છોડી ગયા, સમય જાણે થંભી ગયો છે,
પળમાં અટક્યો છું હું, અને જિંદગીને વિતાવ્યે જાઉં છું

Advertisements

મુસ્કાન બની જાય છે

અડગ મનના માનવીને પણ સમય સામે ઝુકવું જ પડતું હોય છે
મજબૂરી જ્યારે બહુ જ વધી જાય,સમાધાન બની જાય છે

આવેલા રુદનને ક્યારેક વહેવા દેજો આંખોમાંથી નહિતર
ન નીકળેલા આંસુઓ, હૃદયમાં રહીને તોફાન બની જાય છે

વચનોની શક્તિને કદી ઓછી અકવાની ભૂલ ન કરશો,
હૃદયનાથી નીકળેલા બોલ ક્યારેક અભિશાપ,તો ક્યારેક વરદાન બની જાય છે

નાદાન વ્યક્તિ જ બધી બાબત સમજવાની કોશિશ કરે છે,
સમજદાર લોકો તો સમજી વિચારીને નાદાન બની જાય છે

ભૂલ થશે ગણતરીમાં પીડા હૃદયની આંસુઓથી માપશો,
દર્દ પણ જ્યારે હદથી વધી જાય, ત્યારે એ મુસ્કાન બની જાય છે

શું કરવું?

ક્યારેક અથડાઈને લાગણીઓ પાછી ફરે તો શું કરવું?
ઘણું કરવા છતાં પણ થોડીક ઓછી પડે તો શું કરવું?

બહુ કાળજીપૂર્વક આંસુઓને આંખમાં રોકી રાખ્યા હોય,
પણ કોઈની યાદ આવતા આંખો વરસી પડે તો શું કરવું?

વર્ષો સુધી લાગણીઓની ઈંટોથી સંબંધની ઇમારત ચણી હોય,
નાનકડી તિરાડ પડતા આખી ઇમારત તૂટી પડે તો શું કરવું?

ગઝલના શબ્દે શબ્દે વણી લીધી છે વ્યથા આ હૃદયની,
વ્યથા લખવા જતા શ્યાહી જ ખૂટી પડે તો શું કરવું?

કેટકેટલા સ્વપ્નો જોઈ રાખ્યા હોય છે આ જીવનમાં,
સપના પુરા કરવા જ્યારે જિંદગી ટૂંકી પડે તો શું કરવું?

મારો ખાલીપો

મારો ખાલીપો…

હૃદયના એકાદ છાના ખૂણામાં આખી દુનિયાથી સંતાડી રાખેલો…મારો ખાલીપો.

કોઈકની યાદોથી,
કેટલીયે ફરિયાદોથી,
કોઈકના સ્મરણોથી,
એમની સાથે વિતાવેલી ક્ષણોથી,
એવી કેટલીયે વાતોથી છલોછલ ભર્યો છે મારો આ ખાલીપો.

ભૂતકાળમાં છૂટી ગયેલી વ્યક્તિ સાથે હું આજે પણ મારા આ ખાલીપામાં જીવી શકું છું, વાત કરી શકું છું, એમનો સ્પર્શ અનુભવી શકું છું.

જેમની ગેરહાજરીને કારણે આ ખાલીપો સર્જાયો છે, આ ખાલીપાની કારણે એમની સાથે જીવી શકું છું હું.

માની ન શકાય એવી વાત છે, કે આ ખાલીપાને કારણે મળતી પીડા એ મારા બળતા હૃદયને ટાઢક આપે છે.

હા, ક્યારેક આ ખાલીપાની આસપાસ વીંટળાયેલી એકલતા ચીસ પાડી ઉઠે છે. એકલતાની ચીસ મૂંગી હોય છે. છતાં તેના પડઘા ઘણા સમય સુધી સંભળાયા કરે છે અને અંતે તે પણ ખાલીપામાં સમાઈ જાય છે.

પણ છતાં, સાચવું છું હું એ ખાલીપા ને, હૃદયના એક અભિન્ન અંગ તરીકે. કારણ?? એ ખાલીપામાં હું હજી એમની સાથે રહી શકું છું.ધબકારે-ધબકારે એ મારામાં વહે છે. મારી દરેક રચનામાં લખાઈ છે એ, મારા દરેક શબ્દમાં મને સંભળાય છે એ.

મારી દરેક ક્રિયામાં એ પ્રત્યક્ષ હોવા છતાંય… હૃદયના એકાદ છાના ખૂણામાં આખી દુનિયાથી સંતાડીને રાખ્યો છે મેં….મારો ખાલીપો.

હાઈકુ

તારી યાદોથી,
‘ભર્યો’ છે છલોછલ,
મારો ‘ખાલીપો’.

હાઈકુ

ખાલીપો

તારી યાદોથી

‘ભર્યો’ છે છલોછલ,

મારો ખાલીપો

પિતાની લાગણીઓને વાચા નથી હોતી

મા ની મમતા બોલે છે પણ પિતાની લાગણીઓને વાચા નથી હોતી.

મા ની મમતા આપણને દેખાય છે કેમ કે એ પ્રત્યક્ષ છે. મા પોતે ભૂખી રહી બાળકને પેટ ભરીને જમાડશે. માની એ અધૂરી થાળી બધાને દેખાય છે.
પણ પુત્રને ‘branded’ શૂઝ લઇ દેવા પપ્પાના ચપ્પલના ઘસાય ગયેલા તળિયા આપણાં ધ્યાનમાં નથી આવતા.

આપણી જીદ માટે વઢતા પિતાનું કઠોર સ્વરૂપ આપણે જોયું છે.
પણ રાત્રે આપણે સુતા પછી કેટલીયે વાર સુધી આપણાં માથે હાથ ફેરવતા એ કોમળ હાથથી આપણે અજાણ રહી જઈએ છીએ. આપણાં સપનાઓને ખરીદવા પપ્પા પોતાની ઊંઘ વેચી દે છે.

એક પુરુષ હજી રડી શકે છે,પણ એક બાપ (દીકરીની વિદાય સિવાય) કદી રડી શકતો નથી. કારણકે દરેક સંતાન માટે પિતા એક ઢાલ સમાન હોય છે અને ઢાલ ને ઓગળવાનો હક નથી હોતો. તેને તો બસ દરેક પરિસ્થિતિમાં કઠોર જ રહેવાનું હોય છે.

બાળપણમાં રહેલો પિતાના નામનો ડર ક્યારે હિંમતમાં ફરી જાય છે આપણને ખ્યાલજ નથી રહેતો. જીવનની કોઈ પણ મુશ્કેલી હોય, હ્રદયમાં એક અવાજ આવતો, “પપ્પા છે ને!? થઇ જશે બધું સરખું”
અને પપ્પા હંમેશા બધું સરખું કરી જ દેતા…પણ મોટાભાગે આપણને ન ખબર પડે એમ.

સામન્ય રીતે પિતાને ઘડપણ જલ્દી આવે છે. જુવાનીમાં પોતાના સ્વપ્નાઓ પાછળ દોડતો પુરુષ જ્યારે પિતા બને છે ત્યારથી પોતાના સંતાનના સ્વપ્નોનો ભાર ઉપાડવા માંડે છે.
ક્યારેય પપ્પાની ઊંડી ઉતરી ગયેલી આંખો ધ્યાનથી જોઈ છે?
એમની એ આંખોમાં તમને તમારા સપનાઓ એકદમ ચોખ્ખા દેખાશે. તમારા સપનાઓને ખાતર પણ એમના સપના પુરા કરજો, તમારા સ્વપ્નો આપોઆપ પુરા થઇ જશે.

પપ્પા

 હારી ચુક્યો હતો હું બધે થી,ત્યારે મારી હિંમત બનનાર...પપ્પા હતા
જીવન માં આવતા તોફાનો સામે ઢાલ બની મને રક્ષનાર...પપ્પા હતા
ઉપકાર માતા નો કે આપ્યું મને જીવન જન્મ આપીને,
પણ મને જીવન જીવતા શિખવનાર...પપ્પા હતા

કરું હું કંઈક ભૂલ તો મને વઢતા,
પછી રાત્રે સુઈ ગયા બાદ મને વ્હાલ કરતા,
છોડી દીધા પોતાના સપનાઓ મારી ઈચ્છાઓ પુરી કરવા,
ને મારા સ્વપ્નો માટે રાતભર જાગનાર...પપ્પા હતા

આવી પડે જો દુઃખ મને તો મા બહુ રડતી,
ભેટી ને મને મારો ભાર હળવો કરતી,
પણ જ્યારે રસ્તો ન મળે ક્યાંય ને હ્રદય ખુબ મૂંઝાય,
ત્યારે શક્તિ બની મારી સાચી રાહ ચીંધનાર...પપ્પા હતા

આપી મને ધર્મ ની શિક્ષા,કર્યું સંસ્કાર સિંચન,
કરાવ્યું મને સાચા ખોટા નું ચિંતન,
પથ્થર હતો હું તો કશા મૂલ્ય વિનાનો,
પોતાની જાત ઘસી મને ચમકાવનાર...પપ્પા હતા

ઈશ્વર ને બધા આ જગ ના પિતા કહે છે,
ને દરેક પિતા ના હૃદય માં ખુદ ઈશ્વર રહે છે
પણ સ્થાન પપ્પા નું રહેશે તુજથી ઉંચુ,હે પ્રભુ..
કારણકે મને ઈશ્વર નો પરિચય આપનાર...પપ્પા હતા

યાદ

અંધારી રાત, અગાસી પરનો હીંચકો અને સાથે લહેરાતો ઠંડો…ઠંડો પવન ક્યારેક પોતાની સાથે ઘણું લઈને આવે છે.

આવા સમયે જ્યારે એકલા બેઠો હોઉં ત્યારે આ પવન સીધો હૃદયમાં ઉતરી જાય છે. અને જૂના સ્મરણો પર લાગેલી ધૂળ ઉડાડતો જાય છે.

હીંચકાના એક એક દોલન સાથે ધીરે ધીરે યાદો આકાશના કાળા પડદા પર દેખાવા મંડી છે.

ઘણું મળ્યું યાદોમાં. કેટલાક ખોવાયેલા મિત્રો મળ્યા. કેટલાક છૂટેલા સંબંધો મળ્યા. ગુમાવેલા વ્યક્તિઓ મળ્યા. યાદોનું કામ રિસાયકલ બિન જેવું છે. જીવન સફરમાં ‘ડીલીટ’ થયેલી દરેક વાતો ત્યાં મળી જાય છે. પણ અફસોસ એટલો કે એ વાતો આપણે ‘રિસ્ટોર’ નથી કરી શકતા.

કેટલું બધું પડ્યું છે આ યાદોમાં.
સાવ નાનો હતો ત્યારે કરેલા થોડા તોફાન હજી ત્યાં સચવાયા છે. થોડા ઝાંખા પડી ગયા છે, પણ હજી છે. શાળામાં બનેલો પહેલો મિત્ર હજી ત્યાં મળે છે. ચહેરો નથી દેખાતો, પણ એ ત્યાં છે એટલી ખબર છે. સ્કૂલનું એ બહુ જૂનું જર્જરિત મકાન પણ ત્યાં છે, અને પછી રંગરોગાન કરીને બનેલું અદભુત બિલ્ડીંગ પણ ત્યાં છે.

રીસેસમાં રમતા રમતા ફોડેલી એ ટ્યુબલાઈટના કટકા પણ ત્યાં પડ્યા છે. અને ત્યાર પછી ટીચરદીદીનો મળેલો ઠપકો પણ સચવાયો છે.

પપ્પાની પાછળ સ્કુટરમાં એમને એકદમ જોરથી પકડી બેઠો હોય એ સ્પર્શ, એ અનુભવ હજી એવો જ પડ્યો છે ત્યાં.

તો ક્યાંક એકાદ ખૂણામાં, ચાલતી ટ્રેન સામે હાથેથી હેલ્લો કહેતા જો સામે ટ્રેનમાંથી પણ કોઈ હેલ્લો કહે એ વાતની ખુશી પણ પડી છે.

સ્કૂલ પુરી થયા પછી ‘ખાધેલી’ પેપ્સી પણ ત્યાં હતી અને કોલેજ બંક કરીને કેન્ટીનમાં કરેલી પાર્ટી પણ ત્યાં હતી. દરેક રક્ષાબંધને બાંધેલી રાખડીઓ પણ હતી ત્યાં, તો ભાઈબંધે બાંધેલો ‘ફ્રેન્ડશીપ બેલ્ટ’ પણ હતો ત્યાં. આ બધું બહુ જતનથી સચવાયું છે ત્યાં.

એ સિવાય,ઘણા સમય પહેલા છૂટેલા સંબંધો ત્યાં હજી તાજા જ છે. હજી એમાંથી પ્રેમની સુવાસ પહેલા જેવી જ મળે છે. યાદોનો આ ફાયદો છે, વર્તમાનમાં ભલે થોડી કડવાશ ભળી,પણ આ સંબંધોમાંથી યાદોમાં મીઠાશ જ મળે છે.

આમ યાદોની ‘ફિલ્મ’ ફરતી હતી ત્યાં અચાનક એક જાણીતો, રોજેય મળતો છતાં ક્યાંક ખોવાયેલો ચહેરો મળ્યો. આ એ જ ચહેરો હતો જે રોજ મને અરીસામાં મળતો. છતાં અલગ હતો. એ ચહેરા પર ચિંતાની કરચલીઓ નહતી, આંખોની આસપાસ ભૂતકાળનો ભાર ન હતો. નિખાલસતા હતી. જે ખોવાઈ ગઈ હતી મારી પાસેથી ઘણા સમય પહેલા, એ પણ મળી યાદોમાં. મને…હું મળ્યો મારી યાદોમાં. ત્યારે થયું, આ ભગદોડીમાં હું જ છૂટી ગયો મારી પાછળ.

કેટકેટલું પડ્યું છે આ યાદોમાં. હા…કેટલુંક ઝાંખું થયું છે, પણ હજી સુધી પડ્યું છે ત્યાં.

બસ આ સ્મરણો વચ્ચે ફરતો હતો ત્યાં અવાજ આવ્યો, “નૈમિષ……”. અને અચાનક થંભી ગયા, હું અને હીંચકો.

બસ, યાદોમાં આમ ફરી જ શકાય છે. કાશ….એ રિસ્ટોર પણ કરી શકાતી હોત.

Create a free website or blog at WordPress.com.

Up ↑