Search

શબ્દોની દુનિયા

Tag

god

પીડા દાટી છે

હૃદયની ઉથલપાથલ મેં પાંપણમાં દબાવી રાખી છે
આ શબ્દો વચ્ચે મેં મારી એકલતા દાટી છે

મુરઝાયા પછી પણ સુગંધ હજી અકબંધ છે,
જો ને આ મહેક નીચે ફૂલે કેટલી કથા દાટી છે

શાંત પડેલા મારા આ ઘાવોને ન ઉખેડો,
આ ઉઝરડાઓ નીચે મેં મારી પીડા દાટી છે

આંસુઓ સાથે ક્યાંક વહી ન જાય તારી યાદો,
માટે આ સ્મિત નીચે મેં મારી વ્યથા દાટી છે

જીવતેજીવ જે પુરી ન થઈ શકી ક્યારેય,
જો કબરમાં મેં તારી કરેલી પ્રતીક્ષા દાટી છે

સંદેશ મોતને

એ મોત સાંભળ મારી વાત,મારે તને કંઈક કહેવું છે
સમય લઈને આવજે મને લેવા, તારી સાથે થોડીવાર બેસવું છે

કરવી છે કેટલીક ફરિયાદ તને,શાને તું સૌને દૂર કરે છે?
આંસુ કોઈના દેખાતા નથી તને?એવું તો શું તને મજબૂર કરે છે?
પ્રિયજનથી દૂર થવાનું દુઃખ તારી સાથે વહેંચવું છે,
સમય લઈને આવજે મને લેવા, તારી સાથે થોડીવાર બેસવું છે

હંમેશા માટે કોઈને ગુમાવવાનું દુઃખ તને ખબર નહિ હોય?
આટલા કલ્પાંતની પણ તારા પર કશી અસર નહિ હોય?
ઘણી પીડા છે આ હૃદયમાં, એકવાર તને બધું કહી દેવું છે
સમય લઈને આવજે મને લેવા, તારી સાથે થોડીવાર બેસવું છે

લોકો ના આંસુનું કારણ બનવું તને પણ ક્યારેક તો ખટકતું હશે,
શું કોઈને હંમેશા લઇ જવા સમયે તારું હૃદય અટકતું હશે?
જાણતું નથી તને કોઈ અહીં, મારે તને થોડું જાણવું છે,
સમય લઈને આવજે મને લેવા, તારી સાથે થોડીવાર બેસવું છે

આત્મા અમર હશે, પણ એ હોંકારો ક્યાં આપે છે

સૌ અહીં તૂટ્યા છે, છતાં કોઈ બીજાને સહારો ક્યાં આપે છે
જિંદગી કોઈને ગમી નથી ને મોતનેય કોઈ આવકારો ક્યાં આપે છે

જિંદગીની સફરમાં સૌ સાથે રહીને પણ એકલા છીએ
ભુલાય જો માર્ગ તો કોઈ અહીં ઈશારો ક્યાં આપે છે

કોશિશ ઘણી કરી રોકવાની,પણ અંતે તો રડી જ પડાયું
આંખમાં આવેલ આંસુઓને પાંપણ હવે ઉતારો ક્યાં આપે છે

મર્યા પછી ‘કાંધ’ આપવા સૌ કોઈ સામેથી આવ્યા,નહિતર
નનામી સિવાય અહીં કોઈ કોઈને સહારો ક્યાં આપે છે

હૃદયની આ એક દલીલ સામે બધી સાંત્વના ટૂંકી પડી કે,
આત્મા અમર હશે, પણ એ હોંકારો ક્યાં આપે છે?

જય શ્રીરામ

હાઈકુ(5-7-5)
જેના નામથી,

      તરી જાય પથ્થર,

એ છે શ્રીરામ
પ્રાણના ભોગે,

      જે નિભાવે વચન,

એ છે શ્રીરામ
શત્રુને પણ,

      મુક્તિ આપે પ્રેમથી,

એ છે શ્રીરામ
ભાઈને માટે,

      છોડી દે રાજપાટ,

એ છે શ્રીરામ
સ્પર્શ માત્રથી,

      શલ્યાને જીવ આપે,

એ છે શ્રીરામ
એઠાં બોરને

      પણ પ્રેમથી ખાય,

એ છે શ્રીરામ
જેના નામથી,

      લૂંટારો ઋષિ બને,

એ છે શ્રીરામ
પુરુષોત્તમ,

      છે આ જગતમાં જે,

એ છે શ્રીરામ
નમે છે શિષ,

      છે હ્રદયે અવાજ

જય શ્રીરામ
રામનવમીની શુભકામનાઓ
ngkmywords.wordpress.com

#repost કૃષ્ણ તો સરળ છે

નિખાલસતાથી એમની આપણી બુદ્ધિ અંજાય છે,કૃષ્ણ તો સરળ છે,પણ આપણને ક્યાં સમજાય છે??

છુપી રીતે માખણ ખાઈ પ્રેમ થી એ તોફાન કરતા,

એમના આ તોફાન પણ ગોપીઓને ખુબ ગમતા,

એ બાળ પ્રવૃત્તિ માં પણ આપણને ચોરી દેખાઈ છે,

કૃષ્ણ તો સરળ છે,પણ આપણને ક્યાં સમજાય છે??

સાડી સંતાડી ગોપીઓની,નટખટ રમતો રમતા,

તો ચીર પુરી દ્રૌપદી ના,તેના માન ની રક્ષા કરતા,

કરવી સ્ત્રીના માન ની રક્ષા એ વાત શીખવી જાય છે,

કૃષ્ણ તો સરળ છે,પણ આપણને ક્યાં સમજાય છે??

ખુદ રણભુમી છોડી,રણછોડ નામ ધારણ કર્યું,

ને આપી ધર્મનું જ્ઞાન,અર્જુન ને લડવા કહ્યું,

સમજવાનું એટલું કે,પરિસ્થિતિ મુજબ કર્તવ્ય બદલાય છે,

કૃષ્ણ તો સરળ છે,પણ આપણને ક્યાં સમજાય છે??

કહે છે એ માત્ર એટલું કે ‘તું તારું કર્મ કર ‘,

સાથે રહીશ હું,તું આપત્તીઓ થી ન ડર,

જગાવે જો અર્જુન જેવી ધર્મભાવના,તો એ તારા જીવન સારથી બની જાય છે,

કૃષ્ણ ને તો પામવા પણ સરળ છે,પણ આપણને ક્યાં સમજાય છે??

Blog at WordPress.com.

Up ↑