હમણાં શિયાળો ગયો (અથવા જાવું જાવું કરે છે…). દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠંડીએ *’છેલ્લા ફલાણા-ઢીકણાં વર્ષોનો રેકોર્ડ તોડ્યો’* હશે, નહીં?

આવી *’હાજા ગગડાવી’* દેતી ઠંડીમાં કોઈ એમ કહે કે AC પાસે થોડી વાર બેસો, તો ?? ચાલો થોડું વધારે, ફ્રીઝરમાં બેસો એમ કહે તો?? હજી વધારે.. આખો દિવસ ફ્રીઝરમાં બેસી રહેવાનું કહે તો??

વાંચીનેય ટાઢ ચડી ગઈ?

પણ આનાથી ક્યાંય વધુ ઠંડીમાં(ક્યાંય વધુ મતલબ કે જ્યાં *’ઉનાળામાં’* તાપમાન -20℃ હોય, હા..સાચું જ વાંચ્યું, ઉનાળાનું જ કહું છું) કોઈ તમને 24 કલાક અને 90 દિવસ રહેવાનું કહે તો??

જે તાપમાન વાંચીને પણ આપણે ધ્રુજી જઈએ છીએ ,એ તાપમાને અને સાથે સાથે કુદરતની બીજી અનેક તકલીફો વેઠીને આપણા જવાનો ક્યાંક રાત-દિવસ પોતાની ફરજ નિભાવે છે. આ *ક્યાંક* એટલે સીઆચેન. વિશ્વનું સૌથી વિષમ યુઘ્ધક્ષેત્ર. અને આ યુઘ્ધક્ષેત્ર વિશેનું અદભુત પુસ્તક એટલે

*”આ છે સીઆચેન”* – હર્ષલ પુષ્કર્ણા

જ્યારથી આ પુસ્તક બહાર પડ્યું હતું એને વાંચવાની ઈચ્છા હતી. મારી વિશલિસ્ટમાં કેટલાય દિવસથી આ પુસ્તકનું નામ છે. (પુસ્તક લેવાનો વારો હવે છેક આવ્યો-સૌરાષ્ટ્ર બુક ફેરમાં પહેલા દિવસે warmup આટો મારવા ગયો હતો ત્યારે હર્ષલ પબ્લિકેશનનો સ્ટોલ જોઈને ગજબ ટાઢક વળી હતી, બુકફેરમાં પુસ્તકોની *બોણી* આ પુસ્તકથી જ કરી હતી.

બુક લીધી ત્યારેજ નક્કી કર્યું હતું કે ભલે મોડી શરૂ કરું, પણ આ બુક તો એક દિવસમાં અને એક બેઠકે જ પુરી કરીશ.(અને કરી પણ!!!)

હવે બુકની વાત.

મારા મતે દરેક ગુજરાતી વાંચકે પોતાને ભાગ્યશાળી માનવો રહ્યો કે આવું સુંદર પુસ્તક ગુજરાતીમાં મળ્યું (એ પણ ભાષાંતર નહીં, પ્યોર ગુજરાતી. આ બાબત માટે હર્ષલસરનો અને તેમની પુરી ટીમનો ખરેખર ધન્યવાદ માનવો રહ્યો. માત્ર *આ છે સીઆચેન* માટે નહીં, સફારી,જીપ્સી અને તેના જેવા ઘણા બધા contributions માટે.)

સીઆચેન પર રહેતા આપણાં જવાનોની પરિસ્થિતિનો તાગ લેવા પણ બધા એ એકવાર આ પુસ્તક વાંચવુ જ રહ્યું. -30℃ થી લઈને -55℃ જેટલી ઠંડીમાં પણ એ જવાનો રાતદિવસ આપણી રક્ષા કરે છે. ઠંડી સિવાય પણ કેટલી વિષમ પરિસ્થિતિઓ જેમકે frostbite/હિમડંખ, હિમપ્રપાત, ઓક્સિજનની ઓછી માત્રા, મર્યાદિત સાધન સામગ્રી વચ્ચે એ જવાનો કંઈ રીતે રહે છે એ વાત ખૂબ સુંદર,માહિતીસભર( છતાં જરા પણ *બોર* ન કરે)રીતે વર્ણવી છે.

માનવ વસાહતથી દુર, પરિવારથી દૂર, કેવી કેવી શારીરિક અને માનસિક યાતના ભોગવવી પડે એ વાંચીને હૃદય દ્રવી ઉઠે, અને સાથે સાથે આપણાં એ વીર જવાનો માટે માનની લાગણી પણ ઉમટે.

આ પુસ્તકમાં કેવી રીતે અને ક્યારે સીઆચેન વિવાદિત ક્ષેત્ર બન્યું થી લઈને અત્યાર સુધીના ઘણાં પાસા વણી લીધા છે.

પુસ્તકમાં એક પ્રસંગ છે:
સીઆચેનની એક પોસ્ટપર એક અકસ્માતમાં સ્ટવ ફાટવાથી એક જવાનને ડાબી આંખે તથા ચહેરા પર ઇજા થાય છે. એ સારવાર લેતા હોય છે ત્યારે હર્ષલસર એમને કહે છે,”અબ જલ્દી ઠીક હો જાઓ….ઔર જલ્દી સે ડ્યૂટી સંભાલો…ફૌજકો તુમ્હારી જરૂરત હૈ.”
તેના જવાબમાં એ જવાને(ઇજાને કારણે એક આંખે માત્ર 1.5 મીટર દૂર સુધી જોઈ શકતા)કહ્યું,”જી સાહબ, મેં તો ડ્યૂટી પે વાપસ જાના ચાહતા હૂં.” આ વાત આપણાં જવાનોની બહાદુરી અને વતન પરસ્તીનો અનુભવ કરાવે છે.

એક બીજો પ્રસંગ રક્ષાબંધનનો છે, ત્યારે કેટલાક જવાનોની રાખડી હજી પહોંચી નથી હોતી ત્યારે બીજા જવાનો પોતાની આવેલી રાખડી એમને આપે છે, અને તે પોસ્ટના leader officer દરેક જવાનને રાખડી બાંધે છે.

આવા તો કેટલાય નાના મોટા પ્રસંગો છે આ બુકમાં. આટલી ઉંચાઈએ થતો એકલતાનો અનુભવ, તેને કારણે થતી માનસિક પીડા, ક્યારેક સ્વભાવમાં આવતું ચીડિયાપણું અને એ ચીડિયાપનમાં પણ એકબીજા વચ્ચે રહેતી આત્મીયતા આ બધું પુસ્તક વાંચીએ ત્યારે ખબર પડે…અને કેટલેક અંશે અનુભવીએ પણ. સાથે સાથે સીઆચેનમાં *હેપ્ટર્સ, ડોકટર્સ અને પોર્ટર્સ* નું શું મહત્વ છે એ પણ ખબર પડે.

એક વાત તો પાકી,આ પુસ્તક વાંચ્યા પછી આપણી સેના માટે અહોભાવ જગ્યા વગર ન રહે.

બધાએ આ બુક એકવાર તો વાંચવી જ જોઈએ. અને મારું મંતવ્ય તો છે કે આ બુકનો સમાવેશ બાળકોના અભ્યાસક્રમમાં થવો જોઈએ.

અંતે ફરીવાર શ્રી હર્ષલ પુષ્કર્ણાજી નો આભાર કે તેમણે આવું સુંદર પુસ્તક લખ્યું.(આ પુસ્તક બનાવવા પાછળ એમણે ખરેખર ઘણી મહેનત કરી છે, એ પોતે આ વિષમ પહાડી ક્ષેત્રની બે-બે વાર મુલાકત લઇ ચુક્યા છે, અને આ પુસ્તક એ બે મુલાકાતનો નિચોડ છે. આવા વિષમ વાતાવરણમાં રહેવું એ પોતે જ એક.મોટી તપસ્યા છે જે આપણા જવાનો 24 કલાક કરે છે. એમની સાથે હર્ષાલસર એ પણ થોડા દિવસ આ તપસ્યા કરી છે. ત્યાં જવા માટે એક વર્ષ સુધી તૈયારી પણ કરી છે. આ બધા માટે ફરી તેમનો ખૂબ ખૂબ ધન્યવાદ.)

વાંચજો. હું ખાતરી આપું છું કે ગમશે.

જય હિન્દ. જય જવાન
🇮🇳🇮🇳