Search

શબ્દોની દુનિયા

Tag

kakko

બાકી તો કાંઈ નથી

વાક્ય એક થોડુંક ખુચ્યું છે, બાકી તો કાંઈ નથી,
હૃદયમાં જરાક અમસ્તું દુખ્યું છે,બાકી તો કાંઈ નથી

ભાંગી ને ભુક્કો તો નહીં જ થાઉં હું, મજબૂત છું,
હા…અંદર થોડુંઘણું તૂટ્યું છે,બાકી તો કાંઈ નથી

હૃદયની કોરી પાટીમાં બહુ બહુ તો શું મળશે તને,
બસ તારું જ નામ ઘૂંટયું છે, બાકી તો કાંઈ નથી

ક્યારેક અટકી જવાય છે આગળ વધતા એ કારણે,
ઘણુંબધું પાછળ છૂટ્યું છે, બાકી તો કાંઈ નથી

શું તમને ગુજરાતી ભાષાનું ખટકે છે?

Helo friends, how is you?

ખટક્યું??

Hello નો સ્પેલિંગ અથવા ‘are’ની જગ્યાએ ‘is’ ખટક્યું?

કેટલાક તો કહેવા પણ આવશે
“ભાઇ, આવી રીતે નહી પણ આવી રીતે લખાય”

પણ કોઈનું ધ્યાન ગયું, કે અહીંયા ‘ભાઈ’માં ઇ હ્રસ્વ કર્યો છે જે હકીકતમાં દીર્ઘ આવે??

કે પછી ‘લખાઈ’ ની જગ્યા એ ‘લખાય’ લખ્યું છે?

આમાં ગુજરાતી ક્યાંથી બચે??

કહેવાનો અર્થ એ કે આપણે પોતે જ પોતાની ભાષાને નથી જાણતા…જાણવા માંગતા જ નથી.

અંગ્રેજીમાં સામાન્ય સ્પેલિંગમાં ભૂલ કાઢનાર લોકોને ગુજરાતીમાં થયેલી જોડણીની ભૂલ ખટકતી નથી. ખટકતી તો શું, દેખાતી પણ નથી.

આજે પણ એવા ઘણા લોકો છે જેને હ્રસ્વ અથવા દીર્ઘ ખબર નથી પડતી. ઘણા તો ‘ડાબી બાજુ કે જમણી બાજુ’ (અને હવે તો rightside કે leftside ) એમ કહીને ઓળખે છે.

ગુજરાતી વર્ણમાળા(કક્કો) અને બરખડી(બાર અક્ષરી નું અપભ્રંશ) એ બહુ જતનથી બન્યા છે(મૂળ તો જોકે એ સંસ્કૃત વર્ણમાળા છે). દરેક અક્ષરની ગોઠવણ ખૂબ સમજી-વિચારીને કરેલી છે.

એક નાનું ઉદાહરણ
કક્કાના અમુક જૂથના અક્ષરો જીભ અને હોઠની ચોક્કસ પ્રકારની ગોઠવણથી બોલી શકાય છે
જેમ કે ક-ખ-ગ-ઘ બોલવા સમયે જીભ તાળવાના ચોક્કસ સ્થાનને અડશે. તેવી જ રીતે ચ-છ-જ-ઝ તાળવાના બીજા ચોક્કસ સ્થાનને જીભ અડાડી બોલી શકાય છે.
આજ રીતે ‘ટ-ઠ-ડ-ઢ-ણ’ કે પછી ‘ત-થ-દ-ધ-ન’ અને ‘પ-ફ-બ-ભ-મ’ વગેરે બોલવા સમાન રીતથી બોલી શકાય એવા અક્ષરો છે.

આટલું ઊંડાણપૂર્વક વર્ગીકરણ અંગ્રેજીમાં નથી. છતાં આપણે અંગ્રેજીને વધુ મહત્વ આપીએ છીએ.

હા, અત્યારના સમયમાં જરૂર છે અંગ્રેજી જાણવાની. અને તેમાં આપણે સ્પેલિંગ અથવા વ્યાકરણ માટે સભાન રહીએ એ સારી બાબત છે. પણ એ સભાનતા આપણી માતૃભાષા માટે કેમ નથી?? મારો પ્રશ્ન એટલો જ છે, આપણને આપણી ભાષા માટે કેમ ખટકતું નથી?

બની શકે, કે આપણે દરેક શબ્દની જોડણી ન જાણતા હોઈએ, કે પછી વ્યાકરણના દરેક નિયમ ન જાણતા હોઈએ. પણ સાવ આંખ આડા કાન તો ન કરી શકાય ને. હું પોતે નથી જાણતો બધા નિયમ, બધી જોડણી. બની શકે કે આ આર્ટિકલમાં જ ઘણી ભૂલો હોય. પણ આપણે કોશિશ તો કરી શકીએ ને??

જ્યારે પણ અસમંજસ થાય, માત્ર થોડો સમય કાઢીને ચકાસણી ન કરી શકીએ? (જોડણી ચકાસવા માટે ‘bhagwadgomandal’ એપ વાપરી શકાય. આ એપ બનાવનાર ને ખૂબ ખૂબ ધન્યવાદ)

જો ગુજરાતી થઈને આપણે ગુજરાતી ભાષાને સાચવવાની કોશિશ નહિ કરીએ તો કોણ કરશે?

કે પછી ખાલી વોટ્સએપમાં માતૃભાષા વિશે મેસેજ જ કરતા રહેવા છે?

થોડા જાગો ગુજરાતીઓ…

એક પ્રયોગ બધા માટે :
બધા એકવાર કડકડાટ કક્કો બોલી શકો છો કે નહિ એ કોશિશ કરી જુઓ. અને હા, બીજા સામે કોશિશ કરજો, આપણી ભૂલ આપણને નહિ દેખાઈ.

(આ આર્ટિકલમાં તમને ક્યાંય વ્યાકરણ કે જોડણીની ભૂલો દેખાઈ, તો please જણાવશો. હું આભારી રહીશ)

માતૃભાષા ‘ડે’

વાત વાતમાં ‘sorry’ અને ‘thank you’ આવે
અને પછી વર્ષમાં એકવાર માતૃભાષા ‘ડે’ મનાવે

‘બા’ અને ‘બાપુજી’ તો ખોવાઈ ગયા છે ક્યારના,
‘મમ્મી-પપ્પા’ પણ હવે પોતાને ‘mom-dad’ કહેવડાવે,
…..અને પછી વર્ષમાં એકવાર માતૃભાષા ‘ડે’ મનાવે

ભજન-કીર્તન તો ભુલાયા ક્યારના, બાળકોને તો હવે ‘rhymes’ જ આવડે,
પ્રભાતિયાં હવે મૂંઝવણ અનુભવે, કારણકે ‘grandma’ પણ હવે ‘poem’ સંભળાવે
…..અને પછી વર્ષમાં એકવાર માતૃભાષા ‘ડે’ મનાવે

‘Morden’ બનવાના ચક્કરમાં,બાળકોને ‘english medium’માં બેસાડે,
પછી ‘Abcd’ તો ઠીક ‘કક્કો’ પણ હવે ‘english’માં જ સંભળાવે,
…..અને પછી વર્ષમાં એકવાર માતૃભાષા ‘ડે’ મનાવે

‘વિક્રમ-સંવત’ હવે કોને યાદ છે? તહેવારો પણ હવે ‘ઈસવીસન’ મુજબ આવે,
‘શુભેચ્છાઓ’ હવે સુકાતી જાય છે,વારે-તહેવારે હવે ‘greetings’ મોકલાવે
…..અને પછી વર્ષમાં એકવાર માતૃભાષા ‘ડે’ મનાવે

નર્મદ-નરસિંહ ઝાંખા પડ્યા,શેક્સપિયર ને ફૂલડે વધાવે,
દુહા-મુક્તક કોઈ ઓળખે ક્યાંથી? પહેલેથી જ જ્યાં STANZA જ ગોખાવે,
…..અને પછી વર્ષમાં એકવાર માતૃભાષા ‘ડે’ મનાવે

ENGLISH બોલીને માભો પાડે છે, ગુજરાતી બોલતા શરમ આવે,
Abcd હવે કડકડાટ આવડે, કક્કો બોલતા જીભ થોથવાયે,
…..અને પછી વર્ષમાં એકવાર માતૃભાષા ‘ડે’ મનાવે

બધાને ‘Happy’ માતૃભાષા ‘Day’

ભુલાયો કક્કો,

એબીસીડી પાછળ,

અંધ દોટમાં

Create a free website or blog at WordPress.com.

Up ↑