Search

શબ્દોની દુનિયા

Tag

sher

બાકી તો કાંઈ નથી

વાક્ય એક થોડુંક ખુચ્યું છે, બાકી તો કાંઈ નથી,
હૃદયમાં જરાક અમસ્તું દુખ્યું છે,બાકી તો કાંઈ નથી

ભાંગી ને ભુક્કો તો નહીં જ થાઉં હું, મજબૂત છું,
હા…અંદર થોડુંઘણું તૂટ્યું છે,બાકી તો કાંઈ નથી

હૃદયની કોરી પાટીમાં બહુ બહુ તો શું મળશે તને,
બસ તારું જ નામ ઘૂંટયું છે, બાકી તો કાંઈ નથી

ક્યારેક અટકી જવાય છે આગળ વધતા એ કારણે,
ઘણુંબધું પાછળ છૂટ્યું છે, બાકી તો કાંઈ નથી

કળિયુગ

મજબૂરીના બોજ નીચે આજ ઈમાન પણ આવી ગયું,
આજ ફરી એકવાર ‘કળિયુગ’નું હથિયાર ફાવી ગયું

અડગ હોવા છતાં ઉંચાઈને એ આંબી ન શક્યું,
ઝાડ એ સીધું હતું, એટલે કોઈ તેને કોઈ કાપી ગયું

સત્યને આજ શંકા છે પોતાની સાતત્યતા ઉપર,
અસત્યને જ્યારે કોઈ સત્ય બતાવી સમજાવી ગયું

પૈસા આપીને ખરીદી લે છે અમીરો તારા આશીર્વાદ ને,
હે ઈશ્વર,ભ્રષ્ટાચારમાં તો તારું પણ નામ આવી ગયું

આદર્શોની ઇમારતો એટલે ધરાશયી થતી જાય છે,
તેના પાયામાં કોઈ બેઇમાનીનું બીજ વાવી ગયું

જિંદગીના રંગમંચ પર અંતે તો બધા કલાકાર જ છે,
કોઈ લાભ લે છે આંસુનો, કોઈ સ્મિત નીચે દુઃખ છુપાવી ગયું

સાચવી રાખ્યો છે મેં

તને જોઈને હૃદયમાં ઉદ્દભવેલો ઝંકાર સાચવી રાખ્યો છે મેં,
ન લખાયેલા કેટલાયે શબ્દોનો ભાર સાચવી રાખ્યો છે મેં

ક્યારેક તો તું પાછી ફરીશ એ રાહમાં ને રાહમાં,
હૃદયના ખૂણામાં તારા નામનો ધબકાર સાચવી રાખ્યો છે મેં

બંધ થઈ ગયા છે જે ઘરના બારણાં હમેશા માટે,
ક્યારેક ત્યાંથી જ મળેલો મીઠો આવકાર સાચવી રાખ્યો છે મેં

‘મજબૂરી’ના બહાના પાછળ જે નિભાવી ન શકાયો,
આજીવન સાથે રહેવાનો એ કરાર સાચવી રાખ્યો છે મેં

એકબીજાના સુખ-દુઃખમાં હવે સાથે નથી,ચાલ માન્યું
પણ તારી માટે ચિંતા કરવાનો અધિકાર સાચવી રાખ્યો છે મેં

વર્ષો સુધી જીવ્યા પછીયે સમજાયો નથી જે ઘણાને,
નાની જિંદગીનો બહુ મોટો ‘ટુંકસાર’ સાચવી રાખ્યો છે મેં

શું કરવું?

ક્યારેક અથડાઈને લાગણીઓ પાછી ફરે તો શું કરવું?
ઘણું કરવા છતાં પણ થોડીક ઓછી પડે તો શું કરવું?

બહુ કાળજીપૂર્વક આંસુઓને આંખમાં રોકી રાખ્યા હોય,
પણ કોઈની યાદ આવતા આંખો વરસી પડે તો શું કરવું?

વર્ષો સુધી લાગણીઓની ઈંટોથી સંબંધની ઇમારત ચણી હોય,
નાનકડી તિરાડ પડતા આખી ઇમારત તૂટી પડે તો શું કરવું?

ગઝલના શબ્દે શબ્દે વણી લીધી છે વ્યથા આ હૃદયની,
વ્યથા લખવા જતા શ્યાહી જ ખૂટી પડે તો શું કરવું?

કેટકેટલા સ્વપ્નો જોઈ રાખ્યા હોય છે આ જીવનમાં,
સપના પુરા કરવા જ્યારે જિંદગી ટૂંકી પડે તો શું કરવું?

નાસમજ રહેવા દે

બધું સમજીને ઘણો પસ્તાયો છું, મને નાસમજ રહેવા દે,
કોઈની માટે હવે બદલાવું નથી મારે ,હવે મને આમ જ રહેવા દે

નબળાઈ ગણશે મારી એ ડરથી આંસુઓને છુપાવી રાખ્યા છે
આ દંભને હવે છોડવો છે મારે,મને હવે સહજ રહેવા દે

સ્વાર્થ પૂરો થઈ જશે તો લાગણીઓ પણ નહીં રહે,
સંબંધ ટકાવવા ખાતર, એકબીજા માટે ગરજ રહેવા દે

અંતે કંઈ નહિ તો ફરિયાદ કરવાને મળતા રહીશું આપણે,
એકબીજા પર અધૂરી અપેક્ષાઓનું કરજ રહેવા દે

તારી આપેલી એકલતા ને બહુ જતનથી સાચવી રાખી છે
રોજ એ તારી યાદ અપાવે છે, માટે ભલે આ રંજ રહેવા દે

તમને યાદ કરી લઉં છું હું

રોજ તમારી વાટ જોતાં જોતાં, તમને યાદ કરી લઉં છું હું
આમ તમારી યાદોમાં રહેતા રહેતા,તમને યાદ કરી લઉં છું હું

શુ કરવું? રડી પણ નથી શકતો હવે તમને યાદ કરીને ,
માટે બધા સાથે હસતા હસતા,તમને યાદ કરી લઉં છું હું

કહી નથી શકતો કોઈને પણ,ખોટ તમારી કેટલી વર્તાય છે,
ક્યારેક આમ લખતા લખતા,તમને યાદ કરી લઉં છું હું

કહેવાનું તો ઘણું છે પણ સાંભળવા માટે હવે તમે નથી,
માટે જ હવે મૌન રહેતા રહેતા,તમને યાદ કરી લઉઁ છું હું

ફરિયાદ હંમેશ રહેશે મારી ઈશ્વર માટે કે તમને દૂર કર્યા મુજથી,
બસ આમ કુદરત સાથે લડતા લડતા,તમને હદ કરી લઉઁ છું હું

સાચું કહું તો ભુલ્યો જ નથી હું ક્યારેય તમને આજ સુધી,
બસ તમારી યાદ માં જીવતા જીવતા,તમને યાદ કરી લઉં છું હું

તારી સાથે…તારા વગર

રોજ કેટલીયે વાત કરું છું હું…તારી સાથે…તારા વગર

એક જ જગ્યાએ તો મન હળવું કરું છું હું…તારી પાસે…તારા વગર

બધા સામે હસી હસીને થાક્યા પછી,

એક જ જગ્યાએ તો દિલ ખોલીને રડું છું હું…તારી પાસે…તારા વગર

તૂટી ચુક્યો છું પૂરો છતાં બધા સામે અડીખમ ઉભો છું,અહમ છોડી આજે પણ એક જગ્યાએ વિખેરાઈ શકું છું હું…તારી પાસે…તારા વગર

બધા સાથે રહીને પણ હંમેશા એકલો જ હોઉં છું હું

છતાં તું પાસે નથી એની ફરિયાદ કરું છું હું…તારી પાસે…તારા વગર

બસ ખાલી તને મળવા માટે જ હું મોત પણ હસીને સ્વીકારી લઈશ,

પણ શ્વાસ ચાલે છે ત્યાં સુધી રોજ હું જીવું છું હું…તારી સાથે…તારા વગર

હતો એટલો પ્રેમ તો લૂંટાવી દીધો તારા ઉપર,
પોતાના માટે પણ હવે તો નફરત જ બચી છે

હતો એટલો પ્રેમ તો લૂંટાવી દીધો તારા ઉપર,

પોતાના માટે પણ હવે તો નફરત જ બચી છે

Blog at WordPress.com.

Up ↑