Search

શબ્દોની દુનિયા

Category

ગઝલ

કળિયુગ

મજબૂરીના બોજ નીચે આજ ઈમાન પણ આવી ગયું,
આજ ફરી એકવાર ‘કળિયુગ’નું હથિયાર ફાવી ગયું

અડગ હોવા છતાં ઉંચાઈને એ આંબી ન શક્યું,
ઝાડ એ સીધું હતું, એટલે કોઈ તેને કોઈ કાપી ગયું

સત્યને આજ શંકા છે પોતાની સાતત્યતા ઉપર,
અસત્યને જ્યારે કોઈ સત્ય બતાવી સમજાવી ગયું

પૈસા આપીને ખરીદી લે છે અમીરો તારા આશીર્વાદ ને,
હે ઈશ્વર,ભ્રષ્ટાચારમાં તો તારું પણ નામ આવી ગયું

આદર્શોની ઇમારતો એટલે ધરાશયી થતી જાય છે,
તેના પાયામાં કોઈ બેઇમાનીનું બીજ વાવી ગયું

જિંદગીના રંગમંચ પર અંતે તો બધા કલાકાર જ છે,
કોઈ લાભ લે છે આંસુનો, કોઈ સ્મિત નીચે દુઃખ છુપાવી ગયું

દ્વંદ્વ પૂરો થયો

કશીક ઉણપ રહી ગઈ હશે મારી લાગણીઓમાં,
વાતો હજી અધૂરી છે ને સંબંધ પૂરો થઈ ગયો

સ્વાર્થના પાયા પર બંધાય હતી મિત્રતાની ઇમારત,
કે મતલબ પૂરો થતાં આ ‘દંભ’ પૂરો થઈ ગયો

એક પરિચિત અજાણ ની જેમ હવે મળીએ છીએ આપણે,
બોલ્યા વિના જ્યાં બધું સમજાતું એ અંક પૂરો થઈ ગયો

એ છોડી ગયા એ રીતે જાણે કશું હતું જ નહીં,
વિવશતા વધતી ગઈ,ઋણાનુબંધ પૂરો થઈ ગયો

આજીવન ચાલેલા સંઘર્ષનું જાણીતું જ પરિણામ આવ્યું,
એકાએક શ્વાસો અટકી ગયા અને દ્વંદ્વ પૂરો થઈ

ગયો

સાચવી રાખ્યો છે મેં

તને જોઈને હૃદયમાં ઉદ્દભવેલો ઝંકાર સાચવી રાખ્યો છે મેં,
ન લખાયેલા કેટલાયે શબ્દોનો ભાર સાચવી રાખ્યો છે મેં

ક્યારેક તો તું પાછી ફરીશ એ રાહમાં ને રાહમાં,
હૃદયના ખૂણામાં તારા નામનો ધબકાર સાચવી રાખ્યો છે મેં

બંધ થઈ ગયા છે જે ઘરના બારણાં હમેશા માટે,
ક્યારેક ત્યાંથી જ મળેલો મીઠો આવકાર સાચવી રાખ્યો છે મેં

‘મજબૂરી’ના બહાના પાછળ જે નિભાવી ન શકાયો,
આજીવન સાથે રહેવાનો એ કરાર સાચવી રાખ્યો છે મેં

એકબીજાના સુખ-દુઃખમાં હવે સાથે નથી,ચાલ માન્યું
પણ તારી માટે ચિંતા કરવાનો અધિકાર સાચવી રાખ્યો છે મેં

વર્ષો સુધી જીવ્યા પછીયે સમજાયો નથી જે ઘણાને,
નાની જિંદગીનો બહુ મોટો ‘ટુંકસાર’ સાચવી રાખ્યો છે મેં

પીડા દાટી છે

હૃદયની ઉથલપાથલ મેં પાંપણમાં દબાવી રાખી છે
આ શબ્દો વચ્ચે મેં મારી એકલતા દાટી છે

મુરઝાયા પછી પણ સુગંધ હજી અકબંધ છે,
જો ને આ મહેક નીચે ફૂલે કેટલી કથા દાટી છે

શાંત પડેલા મારા આ ઘાવોને ન ઉખેડો,
આ ઉઝરડાઓ નીચે મેં મારી પીડા દાટી છે

આંસુઓ સાથે ક્યાંક વહી ન જાય તારી યાદો,
માટે આ સ્મિત નીચે મેં મારી વ્યથા દાટી છે

જીવતેજીવ જે પુરી ન થઈ શકી ક્યારેય,
જો કબરમાં મેં તારી કરેલી પ્રતીક્ષા દાટી છે

જિંદગી વિતાવ્યે જાઉં છું

મારી આ એકલતાને કંઈક આ રીતે સાચવ્યે જાઉં છું,
ખુદથી રિસાઈને વારંવાર, ખુદને જ હું મનાવ્યે જાઉં છું

એવી રીતે ગયા એ મને છોડીને કે હું રોકી પણ ન શક્યો,
કશી ભૂલ ન હોવા છતાંય હું સજા ભોગવ્યે જાઉં છું

આવી પડે જો દુઃખ તો હવે આંસુ નથી સારતો હું કદી,
જીવનમાં આવેલી પીડાઓને હસતા મુખે વધાવ્યે જાઉં છું

જિંદગીની પરીક્ષા પણ બાકી પરીક્ષાઓની જેમ આપી છે,
સવાલ હજી સમજાયો નથી, જવાબ બનાવ્યે જાઉં છું

પાંપણે બાંધીને રાખ્યું છે હૃદયમાં ઉઠેલા આ તોફાનને,
વિદુષક છું,ભીની આંખેય દુનિયાને હસાવ્યે જાઉં છું

જ્યારથી એ છોડી ગયા, સમય જાણે થંભી ગયો છે,
પળમાં અટક્યો છું હું, અને જિંદગીને વિતાવ્યે જાઉં છું

મુસ્કાન બની જાય છે

અડગ મનના માનવીને પણ સમય સામે ઝુકવું જ પડતું હોય છે
મજબૂરી જ્યારે બહુ જ વધી જાય,સમાધાન બની જાય છે

આવેલા રુદનને ક્યારેક વહેવા દેજો આંખોમાંથી નહિતર
ન નીકળેલા આંસુઓ, હૃદયમાં રહીને તોફાન બની જાય છે

વચનોની શક્તિને કદી ઓછી અકવાની ભૂલ ન કરશો,
હૃદયનાથી નીકળેલા બોલ ક્યારેક અભિશાપ,તો ક્યારેક વરદાન બની જાય છે

નાદાન વ્યક્તિ જ બધી બાબત સમજવાની કોશિશ કરે છે,
સમજદાર લોકો તો સમજી વિચારીને નાદાન બની જાય છે

ભૂલ થશે ગણતરીમાં પીડા હૃદયની આંસુઓથી માપશો,
દર્દ પણ જ્યારે હદથી વધી જાય, ત્યારે એ મુસ્કાન બની જાય છે

શું કરવું?

ક્યારેક અથડાઈને લાગણીઓ પાછી ફરે તો શું કરવું?
ઘણું કરવા છતાં પણ થોડીક ઓછી પડે તો શું કરવું?

બહુ કાળજીપૂર્વક આંસુઓને આંખમાં રોકી રાખ્યા હોય,
પણ કોઈની યાદ આવતા આંખો વરસી પડે તો શું કરવું?

વર્ષો સુધી લાગણીઓની ઈંટોથી સંબંધની ઇમારત ચણી હોય,
નાનકડી તિરાડ પડતા આખી ઇમારત તૂટી પડે તો શું કરવું?

ગઝલના શબ્દે શબ્દે વણી લીધી છે વ્યથા આ હૃદયની,
વ્યથા લખવા જતા શ્યાહી જ ખૂટી પડે તો શું કરવું?

કેટકેટલા સ્વપ્નો જોઈ રાખ્યા હોય છે આ જીવનમાં,
સપના પુરા કરવા જ્યારે જિંદગી ટૂંકી પડે તો શું કરવું?

નાસમજ રહેવા દે

બધું સમજીને ઘણો પસ્તાયો છું, મને નાસમજ રહેવા દે,
કોઈની માટે હવે બદલાવું નથી મારે ,હવે મને આમ જ રહેવા દે

નબળાઈ ગણશે મારી એ ડરથી આંસુઓને છુપાવી રાખ્યા છે
આ દંભને હવે છોડવો છે મારે,મને હવે સહજ રહેવા દે

સ્વાર્થ પૂરો થઈ જશે તો લાગણીઓ પણ નહીં રહે,
સંબંધ ટકાવવા ખાતર, એકબીજા માટે ગરજ રહેવા દે

અંતે કંઈ નહિ તો ફરિયાદ કરવાને મળતા રહીશું આપણે,
એકબીજા પર અધૂરી અપેક્ષાઓનું કરજ રહેવા દે

તારી આપેલી એકલતા ને બહુ જતનથી સાચવી રાખી છે
રોજ એ તારી યાદ અપાવે છે, માટે ભલે આ રંજ રહેવા દે

ઉધાર છે

એમની બેવફાઇનો મારા પર આટલો ઉપકાર છે,
તેણે આપેલા દર્દને કારણે મારા શબ્દોમાં ધાર છે

એમણે તો મને નફરત પણ બહુ માપી માપીને કરી,
આજ પણ જેમના માટે મારો પ્રેમ અપાર છે

કારણ વગર જ હસવાનું શીખી લેજો દોસ્તો,
બાકી જિંદગી પાસે રડાવવાના કારણો હજાર છે

ધ્યાનથી જોશો તો ચાળી ખાશે આંખ માનવ મનની,
ક્યાંક દુકાળ છે લાગણીઓનો, ક્યાંક પ્રેમ ધોધમાર છે

હંમેશા તારા નામ પાસે આવીને અટકી જાય છે એ,
વાંચી લે છે મારી લાગણીને,કલમ મારી સમજદાર છે

બસ એટલે જ નથી લખ્યું નામ મારું શેર ના અંતે,
અંદર લખાયેલું દર્દ તો કોક નું આપેલું ઉધાર છે

Blog at WordPress.com.

Up ↑