Search

શબ્દોની દુનિયા

Tag

india

બાકી તો કાંઈ નથી

વાક્ય એક થોડુંક ખુચ્યું છે, બાકી તો કાંઈ નથી,
હૃદયમાં જરાક અમસ્તું દુખ્યું છે,બાકી તો કાંઈ નથી

ભાંગી ને ભુક્કો તો નહીં જ થાઉં હું, મજબૂત છું,
હા…અંદર થોડુંઘણું તૂટ્યું છે,બાકી તો કાંઈ નથી

હૃદયની કોરી પાટીમાં બહુ બહુ તો શું મળશે તને,
બસ તારું જ નામ ઘૂંટયું છે, બાકી તો કાંઈ નથી

ક્યારેક અટકી જવાય છે આગળ વધતા એ કારણે,
ઘણુંબધું પાછળ છૂટ્યું છે, બાકી તો કાંઈ નથી

કળિયુગ

મજબૂરીના બોજ નીચે આજ ઈમાન પણ આવી ગયું,
આજ ફરી એકવાર ‘કળિયુગ’નું હથિયાર ફાવી ગયું

અડગ હોવા છતાં ઉંચાઈને એ આંબી ન શક્યું,
ઝાડ એ સીધું હતું, એટલે કોઈ તેને કોઈ કાપી ગયું

સત્યને આજ શંકા છે પોતાની સાતત્યતા ઉપર,
અસત્યને જ્યારે કોઈ સત્ય બતાવી સમજાવી ગયું

પૈસા આપીને ખરીદી લે છે અમીરો તારા આશીર્વાદ ને,
હે ઈશ્વર,ભ્રષ્ટાચારમાં તો તારું પણ નામ આવી ગયું

આદર્શોની ઇમારતો એટલે ધરાશયી થતી જાય છે,
તેના પાયામાં કોઈ બેઇમાનીનું બીજ વાવી ગયું

જિંદગીના રંગમંચ પર અંતે તો બધા કલાકાર જ છે,
કોઈ લાભ લે છે આંસુનો, કોઈ સ્મિત નીચે દુઃખ છુપાવી ગયું

સાચવી રાખ્યો છે મેં

તને જોઈને હૃદયમાં ઉદ્દભવેલો ઝંકાર સાચવી રાખ્યો છે મેં,
ન લખાયેલા કેટલાયે શબ્દોનો ભાર સાચવી રાખ્યો છે મેં

ક્યારેક તો તું પાછી ફરીશ એ રાહમાં ને રાહમાં,
હૃદયના ખૂણામાં તારા નામનો ધબકાર સાચવી રાખ્યો છે મેં

બંધ થઈ ગયા છે જે ઘરના બારણાં હમેશા માટે,
ક્યારેક ત્યાંથી જ મળેલો મીઠો આવકાર સાચવી રાખ્યો છે મેં

‘મજબૂરી’ના બહાના પાછળ જે નિભાવી ન શકાયો,
આજીવન સાથે રહેવાનો એ કરાર સાચવી રાખ્યો છે મેં

એકબીજાના સુખ-દુઃખમાં હવે સાથે નથી,ચાલ માન્યું
પણ તારી માટે ચિંતા કરવાનો અધિકાર સાચવી રાખ્યો છે મેં

વર્ષો સુધી જીવ્યા પછીયે સમજાયો નથી જે ઘણાને,
નાની જિંદગીનો બહુ મોટો ‘ટુંકસાર’ સાચવી રાખ્યો છે મેં

પપ્પા અને કૃષ્ણ

કૃષ્ણ…

લેખકો કવિઓ દ્વારા સૌથી વધુ લખાયેલ વિષયોમાં એક વિષય એટલે શ્રીકૃષ્ણ. મહાભારત,ભગવદ્દગીતા સિવાય ગુજરાતી સાહિત્યમાં પણ કૃષ્ણ વિશે ઘણું લખાયું છે. એ ક.મા. મુનશી દ્વારા લખાયેલ ‘કૃષ્ણવતાર’ હોય કે કાજલ ઓઝા વૈદ ની ‘કૃષ્ણાયન’. નરસિંહ મહેતાના ‘શામળા ગિરધારી’ હોય કે મીરાના ‘ગિરિધર નાગર’. કૃષ્ણ વિશે હંમેશા ઘણું લખાયું છે, ઘણું કહેવાયું છે.

છતાં દર વખતે કંઈક નવું જાણવા મળે એવું વિશાળ વ્યક્તિત્વ છે શ્રીકૃષ્ણનું. કૃષ્ણને તમે જે દ્રષ્ટિ થી જુઓ, એ પ્રમાણે તમને કૃષ્ણ મળશે. યશોદાની નજરથી જોશો, તો પુત્ર સ્વરૂપે મળશે. બલરામની નજરે એક ભાઈ રૂપે મળશે. રાધાની નજરે જોશો તો પ્રિયતમ દેખાશે, તો રૂકમનીની નજરે જોશો તો આદર્શ પતિ દેખાશે. સુદામાની નજરે કે દ્રૌપદીની નજરે એ પ્રિય મિત્ર,પ્રિય સખા સ્વરૂપે મળશે.

પણ મારે એ વાત નથી કરવી. મારે વાત કરવી છે એ કૃષ્ણની જે આપણી સાથે હોય છે. મારે પૂર્ણ પુરુષોત્તમની નહીં પણ સંતાન માટે પૂર્ણ રીતે ઉત્તમ પુરુષની વાત કરવી છે.

પિતા…. આપણા દરેકના જીવનના શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ ઉપર જણાવ્યું તેમ અલગ અલગ દ્રષ્ટિ મુજબ અલગ અલગ દેખાય છે. પણ એક સંતાન માટે પિતા આ બધા વ્યક્તિત્વ નિભાવે છે.

જીવનસંગ્રામમાં સંતાન જ્યારે હથિયાર નીચે મૂકી દે, ત્યારે સારથી બની તેનો જીવનરથ આગળ લઈ જાય છે. એક પિતાની બધી બાબત જો ધ્યાનથી સમજશો તો ગીતાનો સાર તેમાં જ મળી જશે. અને દરેક સંતાન માટે જીવનમાં એક સમયે પિતા તેના માટે મિત્ર પણ બની જાય છે.

આખી દુનિયા સામે પોતાની જીદ માટે નમતું ન જોખનારો પુરુષ જ્યારે પોતાની દીકરી ડાયાબિટીસને કારણે ગળ્યું ન ખાવા માટે ખીજાય ત્યારે એક કહ્યાંગરા પુત્રની જેમ અક્ષર પણ કહેતા નથી.

પિતા સંતાનનું જીવન કૃષ્ણની વાંસળી જેવું મધુર બનાવે છે, અને સંતાનના ભવિષ્ય માટે ‘રણછોડ’ બની પોતાના સપનાઓથી દૂર થઈ જાય છે, તો ક્યારેક ‘ગોવર્ધન’ જેવડી મુસીબતો એકલે હાથે ઉપાડી ને સંતાનની રક્ષા કરે છે.

માતા બ્રહ્માની જેમ સર્જન કરે છે, પણ વિષ્ણુ(કૃષ્ણ) ની જેમ પાલન પિતા જ કરે છે. પોતાને અભાવ હોય એ બની શકે, પણ સંતાનને એ ક્યારેય કોઈ વાતનો અભાવ વર્તવા નથી દેતા. શ્રીકૃષ્ણ રાજા હતા ત્યારે તેમણે ‘તંદુલ’ના સુદામાને ઘણું આપ્યું હતું, પણ એક પિતા પોતાની પાસે કંઈ ન હોવા છતાં કોઈપણ બદલાની અપેક્ષા વગર સર્વસ્વ સંતાનને આપી દે છે.

માટે મેં પહેલા કહ્યું એમ, શ્રીકૃષ્ણ તો પૂર્ણપુરુષોત્તમ છે, પણ એક સંતાન માટે એક પિતા પૂર્ણ રીતે ઉત્તમ પુરુષ છે. હા, દુનિયાના બીજા વ્યક્તિઓ માટે એ પુરુષમાં ઘણી ખામીઓ હોય શકે છે, પણ એક પિતા હંમેશા પૂર્ણ રીતે ઉત્તમ હોય છે, હંમેશા દોષરહિત હોય છે.

આજ સુધી આપણે ઘણા મંદિરોમાં ભગવાનને શોધ્યા છે, એકવાર પિતાને આ દ્રષ્ટિથી જોવાની કોશિશ કરજો, બની શકે છે તમને પણ તેમાં શ્રીકૃષ્ણ દેખાય જાય.

જય શ્રીકૃષ્ણ

મારો ખાલીપો

મારો ખાલીપો…

હૃદયના એકાદ છાના ખૂણામાં આખી દુનિયાથી સંતાડી રાખેલો…મારો ખાલીપો.

કોઈકની યાદોથી,
કેટલીયે ફરિયાદોથી,
કોઈકના સ્મરણોથી,
એમની સાથે વિતાવેલી ક્ષણોથી,
એવી કેટલીયે વાતોથી છલોછલ ભર્યો છે મારો આ ખાલીપો.

ભૂતકાળમાં છૂટી ગયેલી વ્યક્તિ સાથે હું આજે પણ મારા આ ખાલીપામાં જીવી શકું છું, વાત કરી શકું છું, એમનો સ્પર્શ અનુભવી શકું છું.

જેમની ગેરહાજરીને કારણે આ ખાલીપો સર્જાયો છે, આ ખાલીપાની કારણે એમની સાથે જીવી શકું છું હું.

માની ન શકાય એવી વાત છે, કે આ ખાલીપાને કારણે મળતી પીડા એ મારા બળતા હૃદયને ટાઢક આપે છે.

હા, ક્યારેક આ ખાલીપાની આસપાસ વીંટળાયેલી એકલતા ચીસ પાડી ઉઠે છે. એકલતાની ચીસ મૂંગી હોય છે. છતાં તેના પડઘા ઘણા સમય સુધી સંભળાયા કરે છે અને અંતે તે પણ ખાલીપામાં સમાઈ જાય છે.

પણ છતાં, સાચવું છું હું એ ખાલીપા ને, હૃદયના એક અભિન્ન અંગ તરીકે. કારણ?? એ ખાલીપામાં હું હજી એમની સાથે રહી શકું છું.ધબકારે-ધબકારે એ મારામાં વહે છે. મારી દરેક રચનામાં લખાઈ છે એ, મારા દરેક શબ્દમાં મને સંભળાય છે એ.

મારી દરેક ક્રિયામાં એ પ્રત્યક્ષ હોવા છતાંય… હૃદયના એકાદ છાના ખૂણામાં આખી દુનિયાથી સંતાડીને રાખ્યો છે મેં….મારો ખાલીપો.

હાઈકુ

તારી યાદોથી,
‘ભર્યો’ છે છલોછલ,
મારો ‘ખાલીપો’.

પિતાની લાગણીઓને વાચા નથી હોતી

મા ની મમતા બોલે છે પણ પિતાની લાગણીઓને વાચા નથી હોતી.

મા ની મમતા આપણને દેખાય છે કેમ કે એ પ્રત્યક્ષ છે. મા પોતે ભૂખી રહી બાળકને પેટ ભરીને જમાડશે. માની એ અધૂરી થાળી બધાને દેખાય છે.
પણ પુત્રને ‘branded’ શૂઝ લઇ દેવા પપ્પાના ચપ્પલના ઘસાય ગયેલા તળિયા આપણાં ધ્યાનમાં નથી આવતા.

આપણી જીદ માટે વઢતા પિતાનું કઠોર સ્વરૂપ આપણે જોયું છે.
પણ રાત્રે આપણે સુતા પછી કેટલીયે વાર સુધી આપણાં માથે હાથ ફેરવતા એ કોમળ હાથથી આપણે અજાણ રહી જઈએ છીએ. આપણાં સપનાઓને ખરીદવા પપ્પા પોતાની ઊંઘ વેચી દે છે.

એક પુરુષ હજી રડી શકે છે,પણ એક બાપ (દીકરીની વિદાય સિવાય) કદી રડી શકતો નથી. કારણકે દરેક સંતાન માટે પિતા એક ઢાલ સમાન હોય છે અને ઢાલ ને ઓગળવાનો હક નથી હોતો. તેને તો બસ દરેક પરિસ્થિતિમાં કઠોર જ રહેવાનું હોય છે.

બાળપણમાં રહેલો પિતાના નામનો ડર ક્યારે હિંમતમાં ફરી જાય છે આપણને ખ્યાલજ નથી રહેતો. જીવનની કોઈ પણ મુશ્કેલી હોય, હ્રદયમાં એક અવાજ આવતો, “પપ્પા છે ને!? થઇ જશે બધું સરખું”
અને પપ્પા હંમેશા બધું સરખું કરી જ દેતા…પણ મોટાભાગે આપણને ન ખબર પડે એમ.

સામન્ય રીતે પિતાને ઘડપણ જલ્દી આવે છે. જુવાનીમાં પોતાના સ્વપ્નાઓ પાછળ દોડતો પુરુષ જ્યારે પિતા બને છે ત્યારથી પોતાના સંતાનના સ્વપ્નોનો ભાર ઉપાડવા માંડે છે.
ક્યારેય પપ્પાની ઊંડી ઉતરી ગયેલી આંખો ધ્યાનથી જોઈ છે?
એમની એ આંખોમાં તમને તમારા સપનાઓ એકદમ ચોખ્ખા દેખાશે. તમારા સપનાઓને ખાતર પણ એમના સપના પુરા કરજો, તમારા સ્વપ્નો આપોઆપ પુરા થઇ જશે.

એક માત્ર તું

સાથે તો નથી
છતાં મારી યાદમાં
એક માત્ર તું

ઈશ્વર પાસે
દરેક ફરિયાદમાં
એક માત્ર તું

નહિ કહેલી,
કેટલીયે વાતમાં
એક માત્ર તું

મારી જ સાથે
મારા આ એકાંતમાં
એક માત્ર તું

મારા આ શબ્દો,
અને મારા શ્વાસમાં
એક માત્ર તું

શું તમને ગુજરાતી ભાષાનું ખટકે છે?

Helo friends, how is you?

ખટક્યું??

Hello નો સ્પેલિંગ અથવા ‘are’ની જગ્યાએ ‘is’ ખટક્યું?

કેટલાક તો કહેવા પણ આવશે
“ભાઇ, આવી રીતે નહી પણ આવી રીતે લખાય”

પણ કોઈનું ધ્યાન ગયું, કે અહીંયા ‘ભાઈ’માં ઇ હ્રસ્વ કર્યો છે જે હકીકતમાં દીર્ઘ આવે??

કે પછી ‘લખાઈ’ ની જગ્યા એ ‘લખાય’ લખ્યું છે?

આમાં ગુજરાતી ક્યાંથી બચે??

કહેવાનો અર્થ એ કે આપણે પોતે જ પોતાની ભાષાને નથી જાણતા…જાણવા માંગતા જ નથી.

અંગ્રેજીમાં સામાન્ય સ્પેલિંગમાં ભૂલ કાઢનાર લોકોને ગુજરાતીમાં થયેલી જોડણીની ભૂલ ખટકતી નથી. ખટકતી તો શું, દેખાતી પણ નથી.

આજે પણ એવા ઘણા લોકો છે જેને હ્રસ્વ અથવા દીર્ઘ ખબર નથી પડતી. ઘણા તો ‘ડાબી બાજુ કે જમણી બાજુ’ (અને હવે તો rightside કે leftside ) એમ કહીને ઓળખે છે.

ગુજરાતી વર્ણમાળા(કક્કો) અને બરખડી(બાર અક્ષરી નું અપભ્રંશ) એ બહુ જતનથી બન્યા છે(મૂળ તો જોકે એ સંસ્કૃત વર્ણમાળા છે). દરેક અક્ષરની ગોઠવણ ખૂબ સમજી-વિચારીને કરેલી છે.

એક નાનું ઉદાહરણ
કક્કાના અમુક જૂથના અક્ષરો જીભ અને હોઠની ચોક્કસ પ્રકારની ગોઠવણથી બોલી શકાય છે
જેમ કે ક-ખ-ગ-ઘ બોલવા સમયે જીભ તાળવાના ચોક્કસ સ્થાનને અડશે. તેવી જ રીતે ચ-છ-જ-ઝ તાળવાના બીજા ચોક્કસ સ્થાનને જીભ અડાડી બોલી શકાય છે.
આજ રીતે ‘ટ-ઠ-ડ-ઢ-ણ’ કે પછી ‘ત-થ-દ-ધ-ન’ અને ‘પ-ફ-બ-ભ-મ’ વગેરે બોલવા સમાન રીતથી બોલી શકાય એવા અક્ષરો છે.

આટલું ઊંડાણપૂર્વક વર્ગીકરણ અંગ્રેજીમાં નથી. છતાં આપણે અંગ્રેજીને વધુ મહત્વ આપીએ છીએ.

હા, અત્યારના સમયમાં જરૂર છે અંગ્રેજી જાણવાની. અને તેમાં આપણે સ્પેલિંગ અથવા વ્યાકરણ માટે સભાન રહીએ એ સારી બાબત છે. પણ એ સભાનતા આપણી માતૃભાષા માટે કેમ નથી?? મારો પ્રશ્ન એટલો જ છે, આપણને આપણી ભાષા માટે કેમ ખટકતું નથી?

બની શકે, કે આપણે દરેક શબ્દની જોડણી ન જાણતા હોઈએ, કે પછી વ્યાકરણના દરેક નિયમ ન જાણતા હોઈએ. પણ સાવ આંખ આડા કાન તો ન કરી શકાય ને. હું પોતે નથી જાણતો બધા નિયમ, બધી જોડણી. બની શકે કે આ આર્ટિકલમાં જ ઘણી ભૂલો હોય. પણ આપણે કોશિશ તો કરી શકીએ ને??

જ્યારે પણ અસમંજસ થાય, માત્ર થોડો સમય કાઢીને ચકાસણી ન કરી શકીએ? (જોડણી ચકાસવા માટે ‘bhagwadgomandal’ એપ વાપરી શકાય. આ એપ બનાવનાર ને ખૂબ ખૂબ ધન્યવાદ)

જો ગુજરાતી થઈને આપણે ગુજરાતી ભાષાને સાચવવાની કોશિશ નહિ કરીએ તો કોણ કરશે?

કે પછી ખાલી વોટ્સએપમાં માતૃભાષા વિશે મેસેજ જ કરતા રહેવા છે?

થોડા જાગો ગુજરાતીઓ…

એક પ્રયોગ બધા માટે :
બધા એકવાર કડકડાટ કક્કો બોલી શકો છો કે નહિ એ કોશિશ કરી જુઓ. અને હા, બીજા સામે કોશિશ કરજો, આપણી ભૂલ આપણને નહિ દેખાઈ.

(આ આર્ટિકલમાં તમને ક્યાંય વ્યાકરણ કે જોડણીની ભૂલો દેખાઈ, તો please જણાવશો. હું આભારી રહીશ)

આત્મા અમર હશે, પણ એ હોંકારો ક્યાં આપે છે

સૌ અહીં તૂટ્યા છે, છતાં કોઈ બીજાને સહારો ક્યાં આપે છે
જિંદગી કોઈને ગમી નથી ને મોતનેય કોઈ આવકારો ક્યાં આપે છે

જિંદગીની સફરમાં સૌ સાથે રહીને પણ એકલા છીએ
ભુલાય જો માર્ગ તો કોઈ અહીં ઈશારો ક્યાં આપે છે

કોશિશ ઘણી કરી રોકવાની,પણ અંતે તો રડી જ પડાયું
આંખમાં આવેલ આંસુઓને પાંપણ હવે ઉતારો ક્યાં આપે છે

મર્યા પછી ‘કાંધ’ આપવા સૌ કોઈ સામેથી આવ્યા,નહિતર
નનામી સિવાય અહીં કોઈ કોઈને સહારો ક્યાં આપે છે

હૃદયની આ એક દલીલ સામે બધી સાંત્વના ટૂંકી પડી કે,
આત્મા અમર હશે, પણ એ હોંકારો ક્યાં આપે છે?

Create a free website or blog at WordPress.com.

Up ↑