Search

શબ્દોની દુનિયા

Tag

daughter

પપ્પા અને કૃષ્ણ

કૃષ્ણ…

લેખકો કવિઓ દ્વારા સૌથી વધુ લખાયેલ વિષયોમાં એક વિષય એટલે શ્રીકૃષ્ણ. મહાભારત,ભગવદ્દગીતા સિવાય ગુજરાતી સાહિત્યમાં પણ કૃષ્ણ વિશે ઘણું લખાયું છે. એ ક.મા. મુનશી દ્વારા લખાયેલ ‘કૃષ્ણવતાર’ હોય કે કાજલ ઓઝા વૈદ ની ‘કૃષ્ણાયન’. નરસિંહ મહેતાના ‘શામળા ગિરધારી’ હોય કે મીરાના ‘ગિરિધર નાગર’. કૃષ્ણ વિશે હંમેશા ઘણું લખાયું છે, ઘણું કહેવાયું છે.

છતાં દર વખતે કંઈક નવું જાણવા મળે એવું વિશાળ વ્યક્તિત્વ છે શ્રીકૃષ્ણનું. કૃષ્ણને તમે જે દ્રષ્ટિ થી જુઓ, એ પ્રમાણે તમને કૃષ્ણ મળશે. યશોદાની નજરથી જોશો, તો પુત્ર સ્વરૂપે મળશે. બલરામની નજરે એક ભાઈ રૂપે મળશે. રાધાની નજરે જોશો તો પ્રિયતમ દેખાશે, તો રૂકમનીની નજરે જોશો તો આદર્શ પતિ દેખાશે. સુદામાની નજરે કે દ્રૌપદીની નજરે એ પ્રિય મિત્ર,પ્રિય સખા સ્વરૂપે મળશે.

પણ મારે એ વાત નથી કરવી. મારે વાત કરવી છે એ કૃષ્ણની જે આપણી સાથે હોય છે. મારે પૂર્ણ પુરુષોત્તમની નહીં પણ સંતાન માટે પૂર્ણ રીતે ઉત્તમ પુરુષની વાત કરવી છે.

પિતા…. આપણા દરેકના જીવનના શ્રીકૃષ્ણ. શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ ઉપર જણાવ્યું તેમ અલગ અલગ દ્રષ્ટિ મુજબ અલગ અલગ દેખાય છે. પણ એક સંતાન માટે પિતા આ બધા વ્યક્તિત્વ નિભાવે છે.

જીવનસંગ્રામમાં સંતાન જ્યારે હથિયાર નીચે મૂકી દે, ત્યારે સારથી બની તેનો જીવનરથ આગળ લઈ જાય છે. એક પિતાની બધી બાબત જો ધ્યાનથી સમજશો તો ગીતાનો સાર તેમાં જ મળી જશે. અને દરેક સંતાન માટે જીવનમાં એક સમયે પિતા તેના માટે મિત્ર પણ બની જાય છે.

આખી દુનિયા સામે પોતાની જીદ માટે નમતું ન જોખનારો પુરુષ જ્યારે પોતાની દીકરી ડાયાબિટીસને કારણે ગળ્યું ન ખાવા માટે ખીજાય ત્યારે એક કહ્યાંગરા પુત્રની જેમ અક્ષર પણ કહેતા નથી.

પિતા સંતાનનું જીવન કૃષ્ણની વાંસળી જેવું મધુર બનાવે છે, અને સંતાનના ભવિષ્ય માટે ‘રણછોડ’ બની પોતાના સપનાઓથી દૂર થઈ જાય છે, તો ક્યારેક ‘ગોવર્ધન’ જેવડી મુસીબતો એકલે હાથે ઉપાડી ને સંતાનની રક્ષા કરે છે.

માતા બ્રહ્માની જેમ સર્જન કરે છે, પણ વિષ્ણુ(કૃષ્ણ) ની જેમ પાલન પિતા જ કરે છે. પોતાને અભાવ હોય એ બની શકે, પણ સંતાનને એ ક્યારેય કોઈ વાતનો અભાવ વર્તવા નથી દેતા. શ્રીકૃષ્ણ રાજા હતા ત્યારે તેમણે ‘તંદુલ’ના સુદામાને ઘણું આપ્યું હતું, પણ એક પિતા પોતાની પાસે કંઈ ન હોવા છતાં કોઈપણ બદલાની અપેક્ષા વગર સર્વસ્વ સંતાનને આપી દે છે.

માટે મેં પહેલા કહ્યું એમ, શ્રીકૃષ્ણ તો પૂર્ણપુરુષોત્તમ છે, પણ એક સંતાન માટે એક પિતા પૂર્ણ રીતે ઉત્તમ પુરુષ છે. હા, દુનિયાના બીજા વ્યક્તિઓ માટે એ પુરુષમાં ઘણી ખામીઓ હોય શકે છે, પણ એક પિતા હંમેશા પૂર્ણ રીતે ઉત્તમ હોય છે, હંમેશા દોષરહિત હોય છે.

આજ સુધી આપણે ઘણા મંદિરોમાં ભગવાનને શોધ્યા છે, એકવાર પિતાને આ દ્રષ્ટિથી જોવાની કોશિશ કરજો, બની શકે છે તમને પણ તેમાં શ્રીકૃષ્ણ દેખાય જાય.

જય શ્રીકૃષ્ણ

પપ્પા

 હારી ચુક્યો હતો હું બધે થી,ત્યારે મારી હિંમત બનનાર...પપ્પા હતા
જીવન માં આવતા તોફાનો સામે ઢાલ બની મને રક્ષનાર...પપ્પા હતા
ઉપકાર માતા નો કે આપ્યું મને જીવન જન્મ આપીને,
પણ મને જીવન જીવતા શિખવનાર...પપ્પા હતા

કરું હું કંઈક ભૂલ તો મને વઢતા,
પછી રાત્રે સુઈ ગયા બાદ મને વ્હાલ કરતા,
છોડી દીધા પોતાના સપનાઓ મારી ઈચ્છાઓ પુરી કરવા,
ને મારા સ્વપ્નો માટે રાતભર જાગનાર...પપ્પા હતા

આવી પડે જો દુઃખ મને તો મા બહુ રડતી,
ભેટી ને મને મારો ભાર હળવો કરતી,
પણ જ્યારે રસ્તો ન મળે ક્યાંય ને હ્રદય ખુબ મૂંઝાય,
ત્યારે શક્તિ બની મારી સાચી રાહ ચીંધનાર...પપ્પા હતા

આપી મને ધર્મ ની શિક્ષા,કર્યું સંસ્કાર સિંચન,
કરાવ્યું મને સાચા ખોટા નું ચિંતન,
પથ્થર હતો હું તો કશા મૂલ્ય વિનાનો,
પોતાની જાત ઘસી મને ચમકાવનાર...પપ્પા હતા

ઈશ્વર ને બધા આ જગ ના પિતા કહે છે,
ને દરેક પિતા ના હૃદય માં ખુદ ઈશ્વર રહે છે
પણ સ્થાન પપ્પા નું રહેશે તુજથી ઉંચુ,હે પ્રભુ..
કારણકે મને ઈશ્વર નો પરિચય આપનાર...પપ્પા હતા

Women’s day special-હે નારી !! તું ક્યાં કોઈને સમજાણી ?

નાની નાની બાબતો માં પણ રડનારી,
છતાં હિંમત થી દરેક મુસીબતો સામે લડનારી,
સરળતા ની મૂર્તિ છે તું,
છતાં.. હે નારી! તું ક્યાં કોઈને સમજાણી

બની ને લાડકી પિતાની,તોફાનો પણ કરતી,
પછી કોઈની વહુ બની, કેવી ગંભીરતા તું ધરતી,
લગ્ન ની એક રસમ માં તું કેટલી બદલાણી,
હે નારી !! તું ક્યાં કોઈને સમજાણી

ક્યારેક દુઃખ અપાર હોઈ છતાં તારું મુખ હસતું,
ને ક્યારેક નાની બાબત માં પણ આંખે આંસુ પડતું,
સહનશક્તિ તારી ક્યાં કોઈને દેખાણી ?
હે નારી !! તું ક્યાં કોઈને સમજાણી ?

મા રૂપે ક્યારેક તારા બાળકને તું મારે છે,
પછી ખુદ રડી તું એને શાંત પાડે છે,
સ્વર્ગની બધી સમૃદ્ધિ જનની ના પાલવમાં સમાણી,
હે નારી !! તું ક્યાં કોઈને સમજાણી ?

બહેન રૂપે તું ભાઈના બધા દુઃખણાં હરતી,
તારા પ્રેમ ની રાખડી ભાઈ ની હરપળ રક્ષા કરતી,
પોતે જ રિસાય ને પછી સામેથી ભાઈ ને મનાવનારી,
હે નારી !!! તું ક્યાં કોઈને સમજાણી ?

બનીને પ્રેયસી,પ્રિયતમ ને પૂર્ણ તું કરતી,
પછી બનીને પત્ની, પતિ સાથે ડગ ભરતી,
કોઈપણ સમયે સાથીદાર ની હિંમત બનનારી,
હે નારી ! તું ક્યાં કોઈને સમજાણી ?

કહું હું પણ શું? મને પણ તું ક્યાં સમજાય છે ?
કહેવું છે ઘણું પણ શબ્દ ક્યાં લખાઈ છે ?
મર્યાદિત છે શબ્દો, અમર્યાદ તારી કહાણી,
હે નારી !! તું ક્યાં કોઈને સમજાણી ?

ngkmywords.wordpress.com

Blog at WordPress.com.

Up ↑