Search

શબ્દોની દુનિયા

Tag

એકલતા

બાકી તો કાંઈ નથી

વાક્ય એક થોડુંક ખુચ્યું છે, બાકી તો કાંઈ નથી,
હૃદયમાં જરાક અમસ્તું દુખ્યું છે,બાકી તો કાંઈ નથી

ભાંગી ને ભુક્કો તો નહીં જ થાઉં હું, મજબૂત છું,
હા…અંદર થોડુંઘણું તૂટ્યું છે,બાકી તો કાંઈ નથી

હૃદયની કોરી પાટીમાં બહુ બહુ તો શું મળશે તને,
બસ તારું જ નામ ઘૂંટયું છે, બાકી તો કાંઈ નથી

ક્યારેક અટકી જવાય છે આગળ વધતા એ કારણે,
ઘણુંબધું પાછળ છૂટ્યું છે, બાકી તો કાંઈ નથી

દ્વંદ્વ પૂરો થયો

કશીક ઉણપ રહી ગઈ હશે મારી લાગણીઓમાં,
વાતો હજી અધૂરી છે ને સંબંધ પૂરો થઈ ગયો

સ્વાર્થના પાયા પર બંધાય હતી મિત્રતાની ઇમારત,
કે મતલબ પૂરો થતાં આ ‘દંભ’ પૂરો થઈ ગયો

એક પરિચિત અજાણ ની જેમ હવે મળીએ છીએ આપણે,
બોલ્યા વિના જ્યાં બધું સમજાતું એ અંક પૂરો થઈ ગયો

એ છોડી ગયા એ રીતે જાણે કશું હતું જ નહીં,
વિવશતા વધતી ગઈ,ઋણાનુબંધ પૂરો થઈ ગયો

આજીવન ચાલેલા સંઘર્ષનું જાણીતું જ પરિણામ આવ્યું,
એકાએક શ્વાસો અટકી ગયા અને દ્વંદ્વ પૂરો થઈ

ગયો

સાચવી રાખ્યો છે મેં

તને જોઈને હૃદયમાં ઉદ્દભવેલો ઝંકાર સાચવી રાખ્યો છે મેં,
ન લખાયેલા કેટલાયે શબ્દોનો ભાર સાચવી રાખ્યો છે મેં

ક્યારેક તો તું પાછી ફરીશ એ રાહમાં ને રાહમાં,
હૃદયના ખૂણામાં તારા નામનો ધબકાર સાચવી રાખ્યો છે મેં

બંધ થઈ ગયા છે જે ઘરના બારણાં હમેશા માટે,
ક્યારેક ત્યાંથી જ મળેલો મીઠો આવકાર સાચવી રાખ્યો છે મેં

‘મજબૂરી’ના બહાના પાછળ જે નિભાવી ન શકાયો,
આજીવન સાથે રહેવાનો એ કરાર સાચવી રાખ્યો છે મેં

એકબીજાના સુખ-દુઃખમાં હવે સાથે નથી,ચાલ માન્યું
પણ તારી માટે ચિંતા કરવાનો અધિકાર સાચવી રાખ્યો છે મેં

વર્ષો સુધી જીવ્યા પછીયે સમજાયો નથી જે ઘણાને,
નાની જિંદગીનો બહુ મોટો ‘ટુંકસાર’ સાચવી રાખ્યો છે મેં

પીડા દાટી છે

હૃદયની ઉથલપાથલ મેં પાંપણમાં દબાવી રાખી છે
આ શબ્દો વચ્ચે મેં મારી એકલતા દાટી છે

મુરઝાયા પછી પણ સુગંધ હજી અકબંધ છે,
જો ને આ મહેક નીચે ફૂલે કેટલી કથા દાટી છે

શાંત પડેલા મારા આ ઘાવોને ન ઉખેડો,
આ ઉઝરડાઓ નીચે મેં મારી પીડા દાટી છે

આંસુઓ સાથે ક્યાંક વહી ન જાય તારી યાદો,
માટે આ સ્મિત નીચે મેં મારી વ્યથા દાટી છે

જીવતેજીવ જે પુરી ન થઈ શકી ક્યારેય,
જો કબરમાં મેં તારી કરેલી પ્રતીક્ષા દાટી છે

શું કરવું?

ક્યારેક અથડાઈને લાગણીઓ પાછી ફરે તો શું કરવું?
ઘણું કરવા છતાં પણ થોડીક ઓછી પડે તો શું કરવું?

બહુ કાળજીપૂર્વક આંસુઓને આંખમાં રોકી રાખ્યા હોય,
પણ કોઈની યાદ આવતા આંખો વરસી પડે તો શું કરવું?

વર્ષો સુધી લાગણીઓની ઈંટોથી સંબંધની ઇમારત ચણી હોય,
નાનકડી તિરાડ પડતા આખી ઇમારત તૂટી પડે તો શું કરવું?

ગઝલના શબ્દે શબ્દે વણી લીધી છે વ્યથા આ હૃદયની,
વ્યથા લખવા જતા શ્યાહી જ ખૂટી પડે તો શું કરવું?

કેટકેટલા સ્વપ્નો જોઈ રાખ્યા હોય છે આ જીવનમાં,
સપના પુરા કરવા જ્યારે જિંદગી ટૂંકી પડે તો શું કરવું?

મારો ખાલીપો

મારો ખાલીપો…

હૃદયના એકાદ છાના ખૂણામાં આખી દુનિયાથી સંતાડી રાખેલો…મારો ખાલીપો.

કોઈકની યાદોથી,
કેટલીયે ફરિયાદોથી,
કોઈકના સ્મરણોથી,
એમની સાથે વિતાવેલી ક્ષણોથી,
એવી કેટલીયે વાતોથી છલોછલ ભર્યો છે મારો આ ખાલીપો.

ભૂતકાળમાં છૂટી ગયેલી વ્યક્તિ સાથે હું આજે પણ મારા આ ખાલીપામાં જીવી શકું છું, વાત કરી શકું છું, એમનો સ્પર્શ અનુભવી શકું છું.

જેમની ગેરહાજરીને કારણે આ ખાલીપો સર્જાયો છે, આ ખાલીપાની કારણે એમની સાથે જીવી શકું છું હું.

માની ન શકાય એવી વાત છે, કે આ ખાલીપાને કારણે મળતી પીડા એ મારા બળતા હૃદયને ટાઢક આપે છે.

હા, ક્યારેક આ ખાલીપાની આસપાસ વીંટળાયેલી એકલતા ચીસ પાડી ઉઠે છે. એકલતાની ચીસ મૂંગી હોય છે. છતાં તેના પડઘા ઘણા સમય સુધી સંભળાયા કરે છે અને અંતે તે પણ ખાલીપામાં સમાઈ જાય છે.

પણ છતાં, સાચવું છું હું એ ખાલીપા ને, હૃદયના એક અભિન્ન અંગ તરીકે. કારણ?? એ ખાલીપામાં હું હજી એમની સાથે રહી શકું છું.ધબકારે-ધબકારે એ મારામાં વહે છે. મારી દરેક રચનામાં લખાઈ છે એ, મારા દરેક શબ્દમાં મને સંભળાય છે એ.

મારી દરેક ક્રિયામાં એ પ્રત્યક્ષ હોવા છતાંય… હૃદયના એકાદ છાના ખૂણામાં આખી દુનિયાથી સંતાડીને રાખ્યો છે મેં….મારો ખાલીપો.

હાઈકુ

તારી યાદોથી,
‘ભર્યો’ છે છલોછલ,
મારો ‘ખાલીપો’.

ખાલીપો

તારી યાદોથી

‘ભર્યો’ છે છલોછલ,

મારો ખાલીપો

એક માત્ર તું

સાથે તો નથી
છતાં મારી યાદમાં
એક માત્ર તું

ઈશ્વર પાસે
દરેક ફરિયાદમાં
એક માત્ર તું

નહિ કહેલી,
કેટલીયે વાતમાં
એક માત્ર તું

મારી જ સાથે
મારા આ એકાંતમાં
એક માત્ર તું

મારા આ શબ્દો,
અને મારા શ્વાસમાં
એક માત્ર તું

નાસમજ રહેવા દે

બધું સમજીને ઘણો પસ્તાયો છું, મને નાસમજ રહેવા દે,
કોઈની માટે હવે બદલાવું નથી મારે ,હવે મને આમ જ રહેવા દે

નબળાઈ ગણશે મારી એ ડરથી આંસુઓને છુપાવી રાખ્યા છે
આ દંભને હવે છોડવો છે મારે,મને હવે સહજ રહેવા દે

સ્વાર્થ પૂરો થઈ જશે તો લાગણીઓ પણ નહીં રહે,
સંબંધ ટકાવવા ખાતર, એકબીજા માટે ગરજ રહેવા દે

અંતે કંઈ નહિ તો ફરિયાદ કરવાને મળતા રહીશું આપણે,
એકબીજા પર અધૂરી અપેક્ષાઓનું કરજ રહેવા દે

તારી આપેલી એકલતા ને બહુ જતનથી સાચવી રાખી છે
રોજ એ તારી યાદ અપાવે છે, માટે ભલે આ રંજ રહેવા દે

Create a free website or blog at WordPress.com.

Up ↑